પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2019 લોકસભાની ચૂંટણી ભાજપ માટે અસ્તીત્વનો સવાલ છે, જો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ટીકાકારોને પણ સ્વીકારવુ પડે કે  કોંગ્રેસની રાષ્ટ્રીય અને પ્રદેશ  નેતાગીરીની કલ્પના અને મહેનત કરતા અનેક ઘણુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિચારે અને તે દિશામાં એટલુ જ કામ કરે છે. દશેરાના દિવસે શંકરસિંહ વાધેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા જે  ચાર મહિના પહેલા જ ભાજપમાં ગયા હતા અને તેમણે માત્ર ચારલીટીનો એક પત્ર પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીને પાઠવી ભાજપમાંથી રાજીનામુ આપી રહ્યા છે તેવી જાહેરાંત કરી હતી. પહેલી દ્રષ્ટીએ સામાન્ય લાગતી આ વાત ઘણી જ અસામાન્ય છે. કોંગ્રેસના કદાવાર નેતાઓને ભાજપમાં સામેલ કરવા માટે અમિત શાહ અનેક પ્રયાસ કરે છે ત્યારે ખુદ અમિત શાહના કહેવાથી મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડયો હોવાની જાણકારી મળી રહી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપની 2014માં જે સ્થિતિ હતી તેવી સ્થિતિ હવે રહી નથી તે વાત બેમત છે, ભાજપનો ગ્રાફ ક્રમશ નીચે ઉતરી ઉતરી રહ્યો છે. જો કે 2019માં ભાજપની સ્થિતિ ખરાબ હોવા છતાં કોંગ્રેસ અથવા ત્રીજો મોર્ચો ભાજપના હાથમાંથી સત્તા આંચકી શકે તેવી તાકાત અને કુનેહ પણ તેમની પાસે નથી. જેના કારણે બેઠકો ઓછી થવા છતાં નરેન્દ્ર મોદી પોતની સત્તા જાળવી રાખશે તેમાં પણ શંકા નથી. આમ છતાં વધુ પડતા આત્મવિશ્વાસમાં પણ તેઓ રાચવા માગતા નથી, ઘટી રહેલી બેઠકો કેવી રીતે જાળવી રાખવી તેના માટે તમામ રાજકીય દેવપેચ અજમાવવામાં આવી રહ્યા છે. 2017માં કોંગ્રેસે અન્યાય કર્યો તેવો આરોપો સાથે કોંગ્રેસ છોડનાર શંકરસિંહ વાઘેલા પણ ભાજપની બી ટીમ તરીકે જ બહાર નીકળ્યા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નારાજ મત કોંગ્રેસ તરફ જવાને બદલે બાપુના પ્રાદેશીક પક્ષને મળે તેવી યોજના હતી, જોકે બાપુની રાજકીય દગાખોર તરીકેની જે છાપ છેલ્લાં ઘણા વખતથી ઊભી થઈ છે તેના કારણે ભાજપને તેનો ખાસ લાભ થયો નહીં, બાપુએ પોતે પ્રાદેશીક પક્ષ બનાવ્યો પણ પોતાના પુત્ર સહિત વફાદારોને ભાજપમાં મોકલી આપ્યા હતા. એક વખત રાજકારણમાં દાખલ થયેલી વ્યકિતની સત્તા અને સંપત્તીની ભુખ ક્યારેય ઓછી થતી નથી. તેમાં શંકરસિંહ પણ બાકાત નથી, જાહેરમાં ભાજપને ભાંડતા શંકરસિંહ બાપુ ખાનગીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે લાઈન ઉપર હતા તે વાત હવે તમામ મોટા નેતાઓ જાણે છે, પરંતુ સામાન્ય પ્રજા આ તમામ વાતોથી અજાણ હોય છે.

ચાર મહિના પહેલા ભાજપમાં ગયેલા મહેન્દ્રસિંહે એકદમ ભાજપમાંથી રાજીનામુ આપ્યું તેની પાછળ પણ બાપુનું રાજકીય અંકગણિત છે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી નહીં તેમ છતાં ભાજપને ખાસ્સુ નુકસાન પહોંચાડ્યું હતું, જેની સ્વભાવીક અસર 2019ની લોકસભાની બેઠકો ઉપર થવાની છે. હવે આ નુકસાન કેવી રીતે ઓછું કરી શકાય તેની કવાયત અમિત શાહે શરૂ કરી છે. ભાજપના નારાજ મત જો કોંગ્રેસને મળે તો ભાજપના નુકસાનમાં વધારો થાય તેમ છે, પરંતુ જો ભાજપના નારાજ મત કોંગ્રેસને મળવાને બદલે અપક્ષ અથવા અન્ય કોઈ પક્ષને મળે ભાજપને તેનો સીધો ફાયદો થાય તેમ છે.

બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાથી લઈ પ્રદેશ કક્ષાની કોંગ્રેસની નેતાગીરીના અનેક નિર્ણય મુર્ખામીભર્યા હોય છે અને હજી પણ તેમની મુર્ખામી આગળ વધારી રહ્યા છે. શંકસિહ વાઘેલા રાજકીય દગાખોર તરીકે જાણિતા છે તેમ છતાં શરદ પવારની એનસીપી દ્વારા તેમને ગુજરાતમાં ત્રીજા મોર્ચાની જવાબદારી સોંપવામાં આવશે તેવું જાણકાર સુત્રો કહે છે. અગાઉ એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કી નાના ભાજપને મદદ કરવાનું કામ કરતા હતા, તે કામ હવે મોટા પાયે ભાજપના વિરોધી હોવાનું મહોરૂ પહેરી શંકરસિંહ વાઘેલા કરશે. કોંગ્રેસ તરફ જઈ રહેલા દલિત અને મુસ્લિમ મત એનસીપી તોડશે, જેનો ફાયદો ભાજપને મળશે. સુત્રોની જાણકારી પ્રમાણે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે ગુજરાતની 26 બેઠકો પૈકી ચાર બેઠકો એનસીપીને ફાળવામાં આવશે જે પૈકી એક બેઠક મહેન્દ્રસિંહ વાઘેલાને મળશે કોંગ્રેસ દ્વારા ચાર બેઠકો ફાળવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શંકરસિંહ વાઘેલા પોતાના ચાર ઉમેદવાર ત્યાં જ ઊભા રખાશે જ્યાં કોંગ્રેસની સ્થિતિ સારી છે.

આમ કોંગ્રેસના મત તોડી તેઓ ભાજપને ફાયદો પહોંચાડશે, જો કે સુત્રોની જાણકારી પ્રમાણે બાપુ અને અમિત શાહ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે મહેન્દ્રસિંહ ચૂંટણી જીતી જાય તેનું ધ્યાન ભાજપ રાખશે, આમ બાપુના પુત્ર પ્રેમને કારણે ભાજપ પોતાની એક બેઠક સોદાના ભાગ રૂપે છોડશે.