મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આજે રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે દેશભરમાં લોકો પાસેથી 10 કરોડથી સલાહ-સૂચનો મંગાવવા માટે એક મહિના સુધી ચાલનારા અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાનનું નામ ‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’ રાખવામાં આવ્યું છે. ભાજપ લોકોના વિચારો જાણવા માટે જુદાજુદા માધ્યમો દ્વારા દેશભરમાં લોકોનો સંપર્ક કરશે. અભિયાનની શરુઆત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે ‘ભારત કે મન કી બાત-મોદી કે સાથ’ કાર્યક્રમ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની રીતે એક અનોખો કાર્યક્રમ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા અમિત શાહે કહ્યું કે વર્ષ 2014 પહેલા દેશની અંદર જે સ્થિતિ હતી તે દેશના લોકતંત્રમાં લોકોની આસ્થાને ડગાવનારી હતી. 2014માં 30 વર્ષ બાદ દેશની જનતાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી પૂર્ણ બહુમતિવાળી સરકાર બનાવી. નરેન્દ્ર મોદી સરકારે દેશની સ્થિતિ બદલી છે. વડાપ્રધાન મોદીની દુરંદેશી નીતિઓના કારણે દેશમાં લાંબાગાળાના વિકાસનો પાયો નંખાયો છે.

અમિત શાહે કહ્યું કે ‘ભારત કે મન કી બાત-મોદી કે સાથ’ કાર્યક્રમ માત્ર ભાજપ નહીં પણ દેશ માટે છે. આ કાર્યક્રમ દેશને સુરક્ષિત કરવા, ગરીબોનું જીવનધોરણ ઉંચુ લાવવા માટે છે. આ કાર્યક્રમ નવું ભારત બનાવવા માટે છે. જે જનતા માટે કામ કરે છે, જનતા પણ તેમના પર અપેક્ષા રાખે છે. જનતાની આશાઓ અને અપેક્ષા પર પાર ઉતરવાનો પડકાર વડાપ્રધાન મોદીએ સ્વીકાર્યો છે. જનતાની આશાઓને સન્માન આપવુ ભાજપ પોતાનું માત્ર કર્તવ્ય નહીં પરંતુ નૈતિક ફરજ માને છે.