મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. પાંચ રાજ્યોની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયા બાદ તેઓ પરિવાર સાથે સોમનાથ મહાદેવના શરણે આવી પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ દાદાની પૂજા-અર્ચના, ધ્વજારોહણ કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, થોડા સમયમાં મંદિરના તમામ કળશ સુવર્ણથી તૈયાર કરવામાં આવશે.

આ તકે સમુદ્ર કિનારે 45 કરોડના ખર્ચે તૈયાર થનારા વોક-વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા તેમણે કહ્યું હતું કે, પ્રસાદ યોજના મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ 45 કરોડના ખર્ચે વોક-વે તૈયાર કરવામાં આવશે. દેશની આઝાદી પછી દિવાળીના દિવસે સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મંદિરનું નિર્માણ થતા આજે ભવ્ય મંદિર છે. નિરંજન નિરાકારની ઉપાસના કઠિન હોય છે. દેશમાંથી 1 કરોડ લોકો દર વર્ષે સોમનાથના દર્શન કરવા આવે છે. આ જ્યોતિલિંગથી જ 52 શક્તિપીઠના પૂજનની શરૂઆત થઇ છે. તેમજ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સૌરાષ્ટ્રનું સોમનાથ છે. 

તેમજ પોતે નાનપણથી સોમનાથ મંદિર સાથે જોડાયેલા હોવાનું જણાવતા તેમણે આ જગ્યા 600 વર્ષથી સ્વધર્મ અને સ્વમાનના સંઘર્ષની જગ્યા હોવાનું પણ કહ્યું હતું. આ તકે તેમની સાથે પરિવારજનો સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજેશ ચુડાસામા, ભીખુ દલસાણીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.