મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર/અરવલ્લી: કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની પસંદગી અંગે ગૂંચવાયેલા કોકડાંને ઉકેલવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. ત્યારે વાત વાતમાં નારાજ રહેતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણ બેઠક માટે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનો વિરોધ કરી આ બેઠક પર પોતાની દાવેદારી નોંધાવતાં મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા દસ વર્ષથી ભાજપનો દબદબો છે દાંતા અને વડગામ વિસ્તાર સાબરકાંઠા લોકસભા બેઠકમાં હતો. તે સમયે સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ હતો. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા છે. બીજી બાજુ કોંગ્રેસમાં લોકસભાની ટિકિટને લઈને ભારે ધમાસાણ મચ્યું છે. દિલ્હીમાં બેઠકોના દોર પર દોર ચાલી રહ્યા છે. ચૂંટણી લાડવા માંગતા ત્રણ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમય નજીક આવી ગયો છે પરંતુ જૂથબંધી હોવા સાથે કોઈ નક્કર રણનીતિ નહીં હોવાનાં કારણે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની પસંદગી થઈ શકી નથી. અત્યાર સુધી માત્ર ચાર બેઠકોના ઉમેદવાર જાહેર કરનાર કોંગ્રેસ પાસે અન્ય આઠ ઉમેદવારોની યાદી ફાઈનલ હોવાં છતાં મંજુરીની મહોર મારી શકાતી નથી. જૂથબંધી અને અસંતોષના કારણે અડધો ડઝન જેટલા ધારાસભ્યો સાચવી શકાયા નથી. ત્યારે લોકસભાની ૨૨ બેઠકોના ઉમેદવારો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના ૪ ઉમેદવારો નકકી કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી એ દિલ્હીમાં ધામા નાખ્યાં છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસનું નાક દબાવી રહેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અગાઉ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડયા બાદ હવે પાટણ બેઠક માટે દાવો કર્યો છે. પાટણ બેઠક માટે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને લડવા માટે સમજાવી લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેમાં પ્રદેશ કક્ષાએ તેમજ અલ્પેશ ઠાકોર દ્વારા પણ સહમતી આપી દેવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે. આ પછી અલ્પેશ ઠાકોરે પાટણ બેઠક માટે દાવેદારી કરવા સાથે સાબરકાંઠા બેઠકમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માટે પણ માંગણી કરી છે. આથી કોંગ્રેસ માટે આશાસ્પદ ગણાતી ઉત્તર ગુજરાતની ચાર બેઠક પર જ આંતરિક લડાઈમાં નુકશાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, કમલેશ પટેલ, અરુણભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ કુંપાવત, ડાહ્યાભાઈ પટેલ સહિતના ઉમેદવારોએ ટિકિટના જંગમાં જંપલાવ્યું છે.

સાબરકાંઠા લોકસભા બેઠકમાં ૫.૫ લાખ ક્ષત્રિય મતદારો, ૩.૫ લાખ આદિવાસી મતદારો અને એસસી અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા મુરતિયા થનગની રહ્યા છે અને તેમના રાજકીય ગોડફાધરની ચરણે પહોંચ્યા છે.

લોકસભા નહીં લડવાનું કહી ચૂકેલા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર બંનેએ છેલ્લી ઘડીએ ટિકિટની માંગણી કરતાં જો જગદીશ ઠાકોરને પાટણ કે બનાસકાંઠાની ટિકીટ ફાળવાય તો અલ્પેશ ઠાકોર સાબરકાંઠા બેઠક પરથી તેમના નિકટના સાથી ધવલસિંહ ઝાલાને ટિકીટ આપવા કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવી શકે તેવી ચર્ચા રાજકીય વિશ્લેષકોમાં ચાલી રહી છે.