મેરાન્યૂઝ નેટવર્ક, નોએડા: ચર્ચિત આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ગુરુવારે અલ્હાબાદ હાઇકોર્ટે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપતા આ કેસની તપાસમાં ખામીઓ છે તેમ જણાવી બંનેને આરોપોથી મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે નીચલી કોર્ટે તલવાર દંપતિને આ મામલે આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઇકોર્ટે કહ્યું કે પુરાવાના અભાવે બંનેને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

શું હતો કેસ

મે 2008માં નોએડાના જલવાયુ વિહાર વિસ્તારમાં 14 વર્ષની આરુષિનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો અને તેના બે દિવસ બાદ નોકર હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો. આ મામલે સીબીઆઇ તપાસ સોંપાઇ હતી અને આ મામલે નીચલી કોર્ટે આરુષિના પિતા રાજેશ તલવાર અને માતા નુપુર તલવારને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને તેમણે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.