મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ આજે શુક્રવારે સ્વિસ બેંકોમાં ભારતીયોનાં નાણામાં 50 ટકાનો વધારો થયાના મામલે વિરોધ પક્ષ દ્વારા થતી ટીકાઓ સામે ફેસબુક પર પોસ્ટ લખીને કહ્યું છે કે વિરોધ પક્ષ આ મામલાને વધારી-ચડાવીને પ્રસ્તુત કરી રહ્યો છે.

અરુણ જેટલીએ કહ્યું કે સ્વિસ બેંકોમાં જમા મોટાભાગના નાણા તે ભારતીયોના જેઓ હવે ભારત છોડી વિદેશમાં રહે છે અને આ સમગ્ર ધનને બ્લેકમની ન કહી શકાય. સ્વિંસ બેંક પોતાને ત્યા જમા નાણાની માહિતી ભારતને આપવા તૈયાર ન હતી. પરંતુ વૈશ્વિક દબાણ બાદ આ માહિતી મળી શકી છે. વર્ષ 2019થી સ્વિસ બેંક દ્વારા જમા નાણાની માહિતી આપવાની શરુઆત થશે. સીબીડીટીની તપાસમાં જાણવા મળ્યુ છે કે આ બેંકોમાં જમા નાણુ મોટાભાગે તે ભારતીયોનું છે જેમની પાસે હવે વિદેશી પાસપોર્ટ છે.

જેટલીએ કહ્યું કે સ્વિસ બેંકોમાં ગેરકાયદે રકમ જમા કરનારા લોકોને સજા થશે. સ્વિટ્ઝરલેન્ડ સરકાર રિયલ ટાઇમ ટેડા આપશે ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વિસ નેશનલ બેંક (SNB) એ જાહેર કરેલ રિપોર્ટ અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીયોનું ધન 50 ટકા વધીને લગભગ 7000 કરોડ રૂપિયા થયું છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતામાં સીધી રીતે રાખવામાં આવેલ નાણું વધીને 99.9 કરોડ સ્વિસ ફ્રેન્ક (સીએચએફ) અને બીજાના માધ્યમોથી જમા કરવામાં આવેલ ધન પણ વધીને 1.6 કરોડ સ્વિસ ફ્રેન્ક થયું છે. આંકડાઓ અનુસાર સ્વિટ્ઝરલેન્ડની બેંકોના ખાતામાં વિદેશી ગ્રાહકોનું કુલ નાણુ 1460 અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે 100 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

કાળા નાણાં વિરૂદ્ધ અભિયાન છતાં સ્વિસ બેંકોમાં ભારતીયોના ધનમાં ચોંકાવનારો વધારો થયો છે. સ્વિટઝરલેન્ડની બેંકોમાં ભારતીયો પોતાનું કાળુ નાણું રાખે છે કારણ આ બેંકોમાં ગ્રાહકોની માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે.

2016માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં 45 ટકાનો ઘટાડો થયો હતો. સૌથી વધુ વાર્ષિક ઘટાડા બાદ તે 676 મિલિયન સીએચએફ એટલે કે 4500 કરોડ રૂપિયા થયું હતું અને આંક 1987ના સમયગાળાથી 2016 સુધીનો સૌથી નીચો આંક હતો.

પરંતુ એનએનબીના ડેટા અનુસાર ભારતીયો દ્વારા બેંકોમાં પ્રત્યક્ષ રીતે રાખવામાં આવતા ધનમાં વર્ષ 2017માં વધારો થયો અને તે 6891 કરોડ રૂપિયા થઇ ગયુ, જ્યારે ફંડ મેનેજર્સના માધ્યમથી રાખવામાં આવતુ કાળુ નાણુ 112 કરોડ રૂપિયા રહ્યું.

તાજા આંકડાઓ અનુસાર સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના ધનમાં 3200 કરોડ રૂપિયાની કસ્ટમર ડિપોઝિટ, 1050 કરોડ રૂપિયા બીજી બેંકો દ્વારા અને 2640 કરોડ રૂપિયા અન્ય લાયાબિલિટિઝના રૂપમાં સામેલ હતા.