મેરાન્યૂઝ નેટવર્ક, ભુવનેશ્વર: બુલેટ ટ્રેન ચલાવવાની વાત કરતી સરકાર સામે રેલવેની મોટી બેદરકારી સામે આવી છે જેમાં મુસાફરો ભરેલી અમદાવાદ-પુરી એક્સપ્રેસ એન્જીન વિના જ 20 કિલોમીટર પૂર ઝડપે દોડતા ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

શનિવાર રાત્રે ઓરીસ્સાના ટિટલાગઢ રેલવે સ્ટેશન પર મુસાફર ભરેલી અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન એક તરફથી બીજી તરફ જોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન રેલવે કર્મચારીઓની બેદરકારીના કારણે ટ્રેનનાં કોચની બ્રેક લગાવવામાં આવી ન હતી અને જેવુ એન્જીન જોડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન એન્જીનનો ધક્કો ટ્રેનના કોચને એટલો જોરથી વાગ્યો કે મુસાફર ભરેલા કોચ ટ્રેક પર દોડવા લાગ્યા અને ઢાળ હોવાને કારણે એટલી સ્પીડ પકડી લીધી છે કે 20 કિલોમીટર સુધી ટ્રેન એન્જીન વિના દોડી. એન્જીન વિનાની આ ટ્રેન જ્યારે કેસિંગા સ્ટેશન પરથી પસાર થઇ ત્યારે રેલવે સ્ટેશન પર ઉભેલા મુસાફરોના તો હોશ ઉડી ગયા હતા અને આ દરમિયાન એક મુસાફરે એન્જીન વિના દોડતી ટ્રેનનો વીડિયો બનાવી લીધો હતો. થોડા સમય બાદ આ ટ્રેન એની જાતે જ રોકાઇ હતી. સદનસિબે સમગ્ર ઘટના દરમિયાન કોઈ ટ્રેન ટ્રેક પર ઉભી કે આવતી ન હતી નહીંતો હજારો મુસાફરોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત.

ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સંબલપુર ડીઆરમએમએ જણાવ્યું છે કે બધા યાત્રી સુરક્ષિત છે અને એન્જીન શંટિંગની પ્રક્રિયાના નિયમોનું પાલન કરવાને કારણે સમગ્ર ઘટના ઘટી છે. આ મામલે બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ મોદી સરકાર અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ ભારતીય રેલવેના હાલ માળખામાં જ એટલી બધી ખામીઓ સામે આવી છે કે મુસાફરોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે.