મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ વીએચપીની ચૂંટણીમાં પદ ગુમાવ્યા બાદ ત્રણ દિવસથી અમદાવાદમાં ઉપવાસ પર બેઠા હતા પરંત્રુ આજે ત્રીજા દિવસે તેમણે અચાનક જ પોતાના ઉપવાસનો અંત કરી પારણા કરી લીધા છે.

પ્રવિણ તોગડિયા તાજેતરમાં જ વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણીમાં હારી ગયા હતા. જ્યાર બાદ તેમણે વડાપ્રધાન મોદી પર રામ મંદિર નહી બનાવવા, યુવાનોને રોજગારી નહીં મળવા, ખેડૂતોની સમસ્યાઓ, વેપારીઓને જીએસટીને કારણે પડેલી મુશ્કેલીઓ, બળાત્કારની ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી આકરા પ્રહાર કર્યા હતાં. પોતાની માગણીઓને લઇને ડૉ. પ્રવિણ તોગડિયા અમદાવાદમાં ઉપવાસ પર બેઠા હતા અને ઉપવાસના ત્રીજા દિવસે તેમની તબિયત લથડતા ડોક્ટર્સ દ્વારા તેમને ઉપવાસ છોડવાની સલાહ આપવામાં આવી હતી. જ્યાર બાદ સાધુ-સંતોએ પણ પ્રવિણ તોગડિયાને અનશન સમાપ્ત કરવા સમજાવ્યા હતા અને તેમણે આજે ત્રીજા દિવસે પારણા કરી લીધા છે. પારણા બાદ પ્રવિણ તોગડિયાએ જણાવ્યુ હતુ કે હું હિન્દુઓ માટે, રાજમંદિર અને ખેડૂતો માટે, યુવાનોને રોજગારી, મહિલાઓની સુરક્ષા માટે કામ કરતો રહીશ.