પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણને પોલીસ સામે સૌ ફરિયાદ છે, પરંતુ વિપદા વખતે પોલીસને પોતાને પણ ખબર છે કે આખરે તે પણ એક માણસ છે. તૌક્તે વાવાઝોડા દરમિયાન અમદાવાદ પોલીસે જે કામગીરી કરી તેને સૌ સલામ કરવાનું મન થાય તેવું બન્યું છે.

આમ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે પરંતુ વાવાઝોડાની ઊભી થયેલી પરિસ્થિતિમાં અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશન્સે માણસાઈની રુએ જે કામગીરી કરી તેનો આ ચિતાર છે. વાવાઝોડાને કારણે અચાનક એસટી બસો બંધ કરી દેવામાં આવતા અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેન્ડ ઉપર ફસાયેલા 300 કરતાં વધુ શ્રમજીવી મુસાફરોને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર કે એ જાડેજાએ કેન્ટીન સંચાલકની મદદ લઈ તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી.


 

 

 

 

 

તેવી જ રીતે આ વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા 300 કરતાં વધુ લોકોને પણ ઈન્સપેક્ટર અજય કુમાર પાંડવએ સલામત સ્થળે ખસેડી તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. વટવા પોલીસે કાચા ઝુંપડામાં રહેતા 150 શ્રમજીવીઓને વટવા ઈન્ડસ્ટ્રીયર એશોશિયનની મદદથી સલામત સ્થળે ખસેડી તેમના જમવા અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થતાં વૃક્ષો પર રહેતા પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. દરિયાપુર પોલીસે એનિમલ કેર યુનિટની મદદ લઈ આ પક્ષીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આપણી કમનસીબી એવી છે કે હજારો લોકો અમદાવાદ શહેરમાં ફૂટપાથ ઉપર રહે છે, દુકાનની આડાસમાં રહેતા આ લોકોને ભોજનનો સવાલ ઊભો થતાં પેટ્રોલીંગમાં નિકળેલી રખીયાલ પોલીસે આ લોકોને ફૂડપેકેટની વ્યવસ્થા કરી આપી હતી. અનેક સ્થળે પોલીસે ફાયર બ્રિગેડની કામગીરી પણ બજાવી હતી. અમદાવાદ મણિનગરના જશોદાનગર પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બે કલાક બંધ થઈ ગયો હતો. ખોખરાના પોલીસ ઈન્સપેક્ટર વાય એસ ગામિતે પોતાના સ્ટાફ સાથે વૃક્ષ કાપવાના હથિયારો મગાવી તુરંત વૃક્ષો બે કલાકની મહેનતે રસ્તા પરથી વૃક્ષો હટાવ્યા હતા. પીઆઈ ગામિતે એવું કહ્યું હતું કે , કોર્પોરેશન કેટલે પહોંચી વળશે તેવી ગણતરી સાથે અમે આ કામગીરી કરી હતી.


 

 

 

 

 

તાજેતરમાં મળેલી જાણકારી પ્રમાણે પોલીસની એક ટીમ અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ પહોંચી છે જ્યાં તેઓ રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને ટ્રેન રદ્દ થવાને કારણે જે મુશ્કેલીમાં મુકાયા છે તેમાં તેમને જમવા અને પાણીની વ્યવસ્થા અમદાવાદ પોલીસે ઉપાડી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.