મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ઓકટોબર મહિનામાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડીય ડેથના મામલે આ તપાસ અન્ય એજન્સી પાસે કરાવવા અંગેની માગણી બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે બગોદરા પોલીસને પોતાના કાગળો સાથે હાજર રહેવા આદેશ આપ્યો છે.

બગોદરા પોલીસમાં કુરીયર કંપનીમાં થયેલી ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુરીયર કંપનીના ડ્રાઈવર સુરૂભાઈ ઝાલાને ગુનો કબુલ કરવા માટે ઢોર માર માર્યો હતો. જેના કારણે પોલીસ કસ્ટડીમાં સુરૂભાનું મોત નિપજ્યું હતું. આ મામલે ફરિયાદ થતાં મેજીસ્ટ્રેટ  દ્વારા તપાસ થઈ હતી. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પોલીસના મારનો ઉલ્લેખ હતો અને સૂરૂભાનું મોત બ્રેઈન હેમરેજને કારણે થયું હોવાનું રિપોર્ટમાં જણાવ્યુ હતું.

જેના કારણે બોપલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ કે ટી કામરીયાને સોંપવામાં આવી હતી. કે ટી કામરીયાએ આ મામલે તપાસ હત્યામાં સંડોવેલા ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી, પરંતુ મૃતકના પરિવારનો આરોપ છે કે ખરેખર આ હત્યામાં વધુ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે, તેથી આ મામલે અન્ય કોઈ એજન્સી મારફતે તપાસ થવી જોઈએ. આ રીટ બાદ હાઈકોર્ટે બગોદરા પોલીસ અને ડીવાયએસપીને કેસના કાગળો સાથે હાઈકોર્ટ સામે હાજર રહેવા આદેશ આપ્યો છે.