મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર  એ.  કે.   સિંગને હાઈકોર્ટમાં હાજર રાખી અમદાવાદ શહેરમાં બેફામ બનેલી પાર્કિંગ સમસ્યા અંગે ઠપકો આપતા ક્રમશઃ અમદાવાદનો ટ્રાફિક વ્યવસ્થિત થઈ રહ્યો છે. અમદાવાદના બે વિશાળ શોપિંગ મોલ હિમાલયા અને અમદાવાદ મોલ દ્વારા મુલાકાતીઓ માટે મફત પાર્કિંગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. મોલની બહાર જાહેરાત મૂકવામાં આવી છે કે અહિંયા મફત પાર્કિંગ થાય છે.

શહેરના રસ્તાઓ પર પાર્ક થતા વાહનોને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ખાસ કરી વિશાળ મોલની બહાર રસ્તા ઉપર મોટા પ્રમાણમાં વાહનો પાર્ક થાય છે. અમદાવાદ પોલીસ દ્વારા હિમાલયા, અમદાવાદ વન  મોલને એક નોટિસ ફટકારવામાં આવી હતી કે  જેમાં મોલના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે બાંધકામના નિયમ પ્રમાણે  શોપિંગ મોલના ક્ષેત્રફળના ૫૦ ટકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફરમાન આપવામાં આવેલું છે.

શોપિંગ મોલનો ઉપયોગ શરૂ કરતા પહેલા બાંધકામના ઉપયોગની જે મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ શોપિંગ મોલ માં આવનાર મુલાકાતીઓને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવાનો આદેશ છે. આમ છતાં અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે શોપિંગ મોલ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા માટે ફી વસુલ કરવામાં આવે છે જે નિયમ પ્રમાણે ફી લઈ શકાય નહીં કારણકે પાર્કિંગ વ્યવસ્થાનો તેઓ ધંધાદારી ઉપયોગ કરે છે.
 
આમ છતાં શોપિંગ મોલના સંચાલકો પાસે પાર્કિંગ ફી વસૂલ કરવાનો અધિકાર હોય તો ક્યા કાયદા હેઠળ અને કઈ રીતે  ફી વસૂલ કરે છે તેના પુરાવા સાથે અમદાવાદ પોલીસની ટ્રાફિક શાખામાં હાજર રહેવું. અમદાવાદ પોલીસની આ નોટિસમાં બાદ તરત  શોપિંગ મોલના સંચાલકો દ્વારા શોપિંગના પ્રવેશદ્વાર ઉપર જ અંદર મફત પાર્કિંગ થાય છે એવી સૂચનાઓ મૂકી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદ પોલીસ ક્રમશઃ શહેરના તમામ વિસ્તારમાં પાર્કિંગ સંબંધિત આવી વ્યવસ્થા દુકાનદારો પાસે કરાવશે.