પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં બે ખૌફ ચાલી રહેલા એક સો કરતા પણ વધુ કોલ સેન્ટર્સ દ્વારા વિદેશમાં વસતા નાગરિકોને ડરાવી ધમકાવી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે. તેવી અમેરિકાની સંસ્થા એફબીઆઈનેને જાણકારી મળતા 2016માં એફબીઆઈ દ્વારા ભારત સરકારને જાણકારી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે થાણેમાં પાડેલા દરોડાનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો અને તપાસમાં જે તથ્યો બહાર આવ્યા તેમાં જાણકારી મળી કે કોલ સેન્ટર્સ દ્વારા અમદાવાદ પોલીસને રોજ એક કરોડ રૂપિયા આપવામાં આવતા હતા. જે ગુજરાતની દારૂની કમાણી કરતા અનેક ગણા વધારે હતા. જેના કારણે ગુજરાતના કેટલાંક ચોક્કસ અધિકારીઓએ પોતાનું નામ પાક અને સાફ રહે તથા પૈસા પણ સારા મળે તે માટે તમામ કામ બાજુ ઉપર મુકી કોલ સેન્ટર્સ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

સામાન્ય રીતે ગુજરાત પોલીસની ઉપરની કમાણીનો મોટો મદાર દારૂ-જુગારના પૈસા રહ્યો છે. ગુજરાતની દારૂબંધીએ નેતાઓ અને પોલીસ અધિકારીઓને સમૃધ્ધ બનાવી દિધા છે પણ સમયની સાથે બદાયેલા પોલીસ અધિકારીઓને સમજાયું કે દારૂ જુગારમાં પૈસા તો મળે છે પણ તેમાં બદનામી પણ ખાસ્સી થાય છે. તેના કારણે કેટલાક પોલીસ અધિકારીઓ જમીનના કેસમાં પૈસા કમાવવા લાગ્યા અને તેઓ કરોડોના અસામી થઈ ગયા, જ્યારે 2016-2017 માં ગુજરાત પોલીસના બહુ ઓછા અધિકારીઓને કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને લૂંટવામાં આવતી પ્રવૃત્તી અંગે ખબર પડતી હતી, પણ આ પ્રકારના કોલ સેન્ટર્સ પાસે કાયદાની એવી છટકબારી હતી કે કોલ સેન્ટર જેમને નિશાન બનાવી રહ્યા હતા તે તમામ વિદેશમાં હતા અને તેઓ કોલ સેન્ટર સામે કોઈ ફરિયાદ કરતા ન્હોતા.

આમ ગુજરાત પોલીસની નજર સામે લોકો લૂંટાઈ રહ્યા હોવા છતાં ફરિયાદી કોણ છે તેવું કારણ આપી આ ઘટનાને નજર અંદાજ કરવામાં આવી રહી હતી, પણ કેટલાંક અધિકારીઓ સમજી ગયા હતા કે, ફરિયાદી ના હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તી હોવાને કારણે તેમાંથી પૈસા મળી શકે તેમ છે, દારૂમાં એક બુટલેગર આખા મહિનામાં કમાય તેના કરતા કોલ સેન્ટરનો માલિક એક દિવસમાં એટલી જ રકમ કમાઈ લે છે, આમ કોલ સેન્ટરની અઢળક કમાણી અંગે ખબર પડતા અમદાવાદ પોલીસ દ્વારા કોલ સેન્ટરના માલિકોને બોલાવી ધમકાવી પૈસાની માગણી શરૂ કરવામાં આવી હતી.

જો કે કોલ સેન્ટરમાં લોકોને ઠગતા કોલ સેન્ટરના માલિકો કરતા પોલીસ અધિકારી વધારે હોશીયાર હતા, તેમણે એક જ વખત પૈસા લેવાને બદલે રોજે રોજ હપ્તો આપવાની માગણી કરી હતી. એક જાણકારી પ્રમાણે અમદાવાદમાં ચાલતા એક સો કરતા વધુ કોલ સેન્ટર્સ પ્રત્યેક કોલ સેન્ટરને રોજના એક લાખ રૂપિયા આપવા પડતા હતા આમ રોજના એક કરોડ રૂપિયા અમદાવાજ પોલીસના ચોક્કસ અધિકારીઓને મળવા લાગ્યા હતા.

એફબીઆઈ  દ્વારા કોલ સેન્ટર ચલાવી રહેલા કેટલાંક આરોપીઓની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ આખી ઘટના સામે આવી હતી, અમેરિકામાં પકડાયેલા આરોપીઓ દ્વારા અમદાવાદના કયાં પોલીસ અધિકારીને કેટલો હપ્તો આપવામાં આવતો હતો. તેની જાણકારી પણ આપી હતી, એફબીઆઈ દ્વારા ગુજરાત પોલીસના આ સિનિયર અધિકારીઓના નામ પણ ભારત સરકારને આપ્યા હતા. જો કે તે વખતે આ વગદાર પોલીસ અધિકારીઓએ પોતાના સુધી તપાસ આગળ વધતા અટકાવી દીધી હતી, પણ હવે ફરી વખત અમદાવાદમાં પકડાયેલા કોલ સેન્ટર્સમાં જુના ખેલાડી પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા છે. જેમની  મહેરબાનીથી આ કોલ સેન્ટર્સ ફરી ચાલુ થયા હતા.

તાજેતરમાં પુના પોલીસે પણ આ પ્રકારનું એક કોલ સેન્ટર પુનામાં પકડી પાડયુ હતું, આ કોલ સેન્ટર પકડી પાડયુ હતું. આ કોલ સેન્ટર અમદાવાદના સોલા રોડ ઉપર રહેતા બે ભાઈઓ ચલાવતા હતા. પુના પોલીસે કુલ 121 આરોપીના નામ ખોલ્યા છે, જેમાં નારણપુરા વિસ્તારામાં રહેતા ભાજપના એક વગદાર નેતાનો પુત્ર પણ છે. ભાજપના આ નેતાએ પોતાના પુત્રનું નામ આ કેસમાંથી કઢાવવા માટે પૈસા આપવાની તૈયારી બતાડી હોવા ઉપરાંત દિલ્હી સ્થિત પોતાના રાજકીય આકાની મદદ પણ માંગી છે. આમ કોલ સેન્ટરની અઢળક કમાણીના લાલચમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ પણ બચી શકયા નથી.