મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં તો કોરોનાના આંકડાઓની વાત જ થાય તેમ નથી. ગુજરાત ભરના આંકડા એક તરફ અને અમદાવાદ એક તરફ, તો ય અમદાવાદને ક્યાંય પનો ન પહોંચે તેટલું દૂર છે. અમદાવાદમાં કોરોનાથી કોરોના વોરિયર્સ પણ દૂર રહી શક્યા નથી. પોલીસ, એસઆરપી જવાનો, સફાઈ કામદારો, નર્સ, તબીબ વગેરેથી માંડી ઘણા લોકો કોરોનાથી સંક્રમીત થયા છે. આવા સંજોગોમાં કોરોનાની કમિશનર ઓફીસમાં પણ એન્ટ્રી થઈ જતાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં 8 પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે તમામ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આઠ પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં હડકંપ મચી ગયો છે. કોરોના સામે લડતમાં પોલીસનો જે ભાગ છે તે લોકો સાથે કનેક્ટ રહેવાનો છે તેવી જરૂરી સેવામાં કોરોનાની એન્ટ્રી જોખમી તો છે જ તેમાં કોઈ બેમત નથી. હાલ તંત્ર આ આઠ કર્મચારીઓના સંપર્કમાં આવેલાઓની તપાસ કરી રહી છે, કારણ હજુ કોરોનાને કારણે ઓફીસમાં કામ કરતાં અને ત્યાં આવન જાવન રાખતા તમામ લોકો પર કોરોનાની તલવાર લટકી રહી છે. જોકે અમદાવાદમાં જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જ રીતે લોકોના સાજા થવાનો રેટ પણ વધી રહ્યો છે, દેશભરમાં રિકવરિરેટ અમદાવાદનો ઉંચો છે. હાલ અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા દસ હજાર થવા આવી છે.