મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ અમદાવાદમાં ઉપવાસ આંદોલન પર બેઠા છે અને ત્યારે સરદાર પટેલ ગૃપ (એસપીજી) ના નેતા લાલજી પટેલે હાર્દિકની માગણીઓને સમર્થન આપ્યું છે ત્યારે એસપીજીના ભૂતપૂર્વ કાર્યકર નચિકેત મુખીને અમદાવાદના રામોલ વિસ્તારમાં જુગાર રમતા પોલીસે ઝડપી લીધા છે. નચિકેત મુખી સહિત 12 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં વકીલવાળા એસ્ટેટમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યા જુગાર રમી રહેલા એસપીજીના ભૂતપૂર્વ સભ્ય નચિકેત મુખી સહિત 12 લોકો પાના-પત્તાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આ લોકો પાસેથી રૂપિયા 2.66 લાખની રોકડ તથા મોબાઇલ વાહનો સહિત 5. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તમામની ધરપકડ કરી છે.