મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સામાન્ય રીતે ડૉકટરનો વ્યવસાય કરનારને હજી પણ સમાજ માનની નજરે જુવે છે, પણ હવે તો ડૉકટરો પણ લાંચ લેતા થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ જી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આર સી શાહે હોસ્પિટલના વિવિધ કામગીરીમાં લાંચ લેવાની શરૂઆત કરી હતી, પણ તેમને ખબર ન્હોતી કે તેઓ લાંચ લઈ રહ્યા છે તેની તમામ બાબતો એક ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. આખરે ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થયેલી  તમામ વાતો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચી અને તેમણે લાંચ રૂશ્વર વિરોધી બ્યૂરો (ACB)માં સુપ્રીટેન્ડન્ટ સામે ગુનો નોંધવાનો આદેશ આપતા આખરે ગુનો નોંધાયો છે.

વર્ષ 2017માં કુમકુમ ગ્રાફિક કંપનીને એલજી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ મળ્યો હતો, જેના પેટે કંપનીને રૂપિયા  1.17 લાખ લેવાના હતા, આ કંપનીના માલિકે સુપ્રીટેન્ડન્ટ આર સી શાહનો સંપર્ક કરી તેમના પેમેન્ટની માગણી કરતા સુપ્રીટેન્ડન્ટ શાહે લાંચની માગણી કરી હતી, કંપની દ્વારા પહેલા રૂપિયા 15000 અને બીજી વખત રૂપિયા 25000 સુપ્રીટેન્ડન્ટ શાહને લાંચ પેટે આપ્યા હતા, આર સી શાહને ખબર ન્હોતી કે લાંચ આપનાર ગુપ્ત કેમેરા દ્વારા તમામ સંવાદો અને દ્રશ્યો રેકોર્ડ કરી રહ્યો છે. રૂપિયા ચાલીસ હજારની લાંચ આપી ત્યાર બાદ તેમના એકાઉન્ટમાં બાકી પેમેન્ટ આવી ગયું હતું.

કુમકુમ કંપનીના માલિક દ્વારા પોતેના ગુપ્ત કેમેરામાં રેકોર્ડ તમામ બાબતોની સીડી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપી હતી. અમદાવાદ કોર્પોરેશન સંચાલિક હોસ્પિટલમાં બીજા નંબરે આવનારી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ લાંચની માગણી કરી લાંચ લે છે તે જોઈ કમિશનર ચૌંકી ઉઠયા હતા, તેમણે આ તમામ પુરાવા સાથે એસીબીને ફરિયાદ કરતા ડીવાયએસપી પારૂલ સોંલકીએ તપાસ કરી ગુનો નોંધાયો હતો.