મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના પ્રતિષ્ઠિત કનોરીયા સેન્ટર ફોર આર્ટ્સમાં કોર્સ કો-ઓર્ડિનેટર પર વિદ્યાર્થીનીએ છેડતી કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ મામલે પોલીસે તેમની ધરપકડ કરી છે.

કનોરીયા સેન્ટર ફોર આર્ટ્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 18 માર્ચના રોજ બપોરે દોઢ વાગ્યા આસપાસ તે ડ્રોઇંગના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે કોર્સ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા આશીષ સરકારને મળવા માટે તેમની ઓફિસમાં ગઇ હતી. અંદર જતા જ આશિષ સરકારે કહ્યું કે દરવાજો બંધ કરીને અંદર આવો કારણ કે એસી ચાલુ છે. જ્યાર બાદ દરવાજો બંધ કરી અંદર આવી હતી. આશિષ સરકાર પોતે સોફામાં બેઠા હતા અને તેમણે મને પણ સોફામાં બેસવા માટે કહ્યું હતું જ્યાર બાદ તેમણે મારી નજીક આવી ડ્રોઇંગ વિશેની ચર્ચા શરુ કરી હતી જેથી તેઓ મારા વધુ નજીક આવતા હું થોડી પાછી ખસી હતી. આ દરમિયાન આશિષ સરકારે શારીરિક અડપલા કર્યા હતા જેથી હું ઉભી થઇ બહાર જતી રહી હતી. આ અંગે મારા પિતા સાથે ઘટનાની ચર્ચા કર્યા બાદ આશિષ સરકાર સામે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીએ કરેલ ફરિયાદ બાદ પોલીસે કોર્સ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા આશીષ સરકારની ધરપકડ કરી છે.