મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે ફુટપાથ ઉપર એક ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો, પણ વાછરડાની સાથે ગાયનું ગર્ભાશય પણ બહાર નીકળી આવ્યું હતું. આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા શીતલ બહેન અમીન નામની મહિલાએ છ કલાક સુધી ગાય અને વાછરડાની સંભાળ લીધી અને ગાયને વાછરડા સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

સામાન્ય રીતે ગાય જેવા પ્રાણીઓ જાહેર રસ્તા ઉપર વાછરડાને જન્મ આપે તેમાં નવી કોઈ બાબત નથી, પણ ગુલબાઈ ટેકરાની ફુટપાથ ઉપર એક ગાયે વાછરડાને જન્મ આપ્યો તેની સાથે તેનું ગર્ભાશય પણ બહાર નીકળી આવ્યું હતું. જે ગાય માટે અત્યંત પીડાજનક હોવાને કારણે સતત ભાંભરી રહી હતી. આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા શીતલબહેન અમીન નામની મહિલાએ આખી ઘટના જોઈ હતી. તેમણે ગાયને સારવાર મળી રહે તે માટે વિવિધ જીવદયા સંસ્થાઓને ફોન કરવાની શરૂઆત કરી, પણ કયાંથી મદદ મળી રહી ન્હોતી, ત્યારે સાંજના ચાર વાગી  રહ્યા હતા.

દરમિયાન ગાયની પીડા અસ્હય બનતા તે બેસી ગઈ હતી અને તેની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. બીજી તરફ તાજા જન્મેલા વાછરડા ઉપર ત્યાં ફરી રહેલા કુતરાઓની નજર પડી હતી. તેઓ વાછરડા ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક તરફ શીતલબહેન ગાયની સંભાળ લઈ રહ્યા હતા ત્યારે હવે વાછરડાનું પણ રક્ષણ કરવું પડતું હતું. તેવામાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, પણ સ્થિતિ એવી હતી કે શીતલબહેન આ દશામાં ગાયને છોડી જવા માગતા ન્હોતા. રાતના દસ વાગી ગયા હતા ત્યારે શીતલબહેનને સંપર્ક જલારામ ગૌશાળા સાથે થયો તેમણે ગૌશાળાના સ્ટાફને ગાયની સ્થિતિ સમજાવી.

અડધો કલાક પછી હાઈડ્રોલીક લીફટ સાથેની એક એમ્બયુલન્સ ત્યાં આવી હતી, જેમાં સાવચેતીપુર્વક ગાય અને વાછરડાને ચઢાવવામાં આવ્યા, ત્યાર બાદ ગાયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.