મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ તાજેતરમાં અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પોલીસ ઉપર હુમલો કરનાર લોકોને પોલીસે ફટકર્યા હતા, જે મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. આ જ પ્રકારની એક ઘટના 2009માં નર્મદા જિલ્લાના  તિલકવાડામાં ઘટી હતી, જે અંગે થયેલી ફરિયાદ તિલકવાડા કોર્ટ સામે ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને માર મારવાના કેસમાં બે પોલીસ ઈન્સપેકટરને નવ મહિનાની જેલ અને એક હજાર દંડની સજા ફટકારી છે.

અગાઉ અમદાવાદ શહેરમાં ફરજ બજાવી ચુકેલા પોલીસ ઈન્સપેકટર જે ડી ડાંગરવાલા પોતાના કાયદા બહારના કામ કરવાને કારણે જાણિતા છે. આ પ્રકારની ફરિયાદ અમદાવાદ પોલીસ કમિશનર સહિત કોર્ટ સામે પણ થયેલી છે, પરંતુ વગ ધરાવતા ઈન્સપેકટર ડાંગરવાલા હમણાં સુધી તમામ કેસમાંથી બચતા આવ્યા છે, પરંતુ 2009માં તેઓ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હતા તેમણે અને તેમના હેડ કોન્સટેબલ વિનુભાઈ પાટડીયાએ પોતાની કસ્ટડીમાં એક આરોપીને અંગત કારણસર ઢોર માર માર્યો હતો, વિનુભાઈ પાટડીયાએ હવે બઢતી લઈ પોલીસ ઈન્સપેકટર થઈ ગયા છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમ વડોદરા ખાતે ફરજ બજાવે છે, જયારે જે ડી ડાંગરવાલા નવસારી ખાતે ફરજ બજાવે છે.

2009માં વિનુ પાટડીયા અને જે ડી ડાંગરવાલા સામે સામે તીલકવાડા કોર્ટમાં થયેલી ફરિયાદની કાર્યવાહીમાં કોર્ટ દ્વારા તેમની સામે રજુ થયેલી પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી બંન્ને પોલીસ ઈન્સપેકટરોને નવ મહિનાની સાદી કેસ અને એક હજારનો દંડ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસ દ્વારા પકડાયેલા આરોપીનું સરઘસ કાઢી મારવામાં આવે છે, તેવી ઘટનાઓ અંગે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ અધિકારીઓની આ પ્રવૃત્તી બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.