દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના કાળમાં સફાઈનું મહત્ત્વ આપણને સૌને સમજાઈ ચૂક્યું છે. સફાઈ નહીં તો જીવન નહીં તેવી સ્થિતિ ક્ષણે-ક્ષણે સૌ કોઈ અનુભવી રહ્યા છે. તેવા સંજોગોમાં જ્યારે સફાઈ કર્મચારીઓ હડતાળ કરે તો લોકોનો જીવ અદ્ધર થાય તે સ્વાભાવીક છે. અમદાવાદ શહેરમાં 15,000થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે અને કુલ 14 જેટલા સફાઈ કર્મચારી મંડળે આ હડતાળને ટેકો જાહેર કર્યો છે.

હડતાળમાં કરવાનું કારણ સફાઈ કર્મચારીઓને નહીં મળી રહેલો પેન્શનનો લાભ અને વારસાઈની નોકરી છે, પરંતુ હડતાળ ઉગ્ર બની અને સફાઈ કર્મચારીઓ કામે નથી ચઢી રહ્યા તેનું મુખ્ય કારણ ગુજરાત રાજ્ય સફાઈ કર્મચારી સંઘના જનરલ સેક્રેટરી ગુણવંત ખત્રી સાથે થયેલો દુર્વ્યવહાર છે. ગુણવંત ખત્રી આ સફાઈ કર્મચારીઓની માંગણીને લઈને જ્યારે ડેપ્યૂટી કમિશ્નર પાસે ગયા, ત્યારે તેમને સાંભળવામાં તો ન જ આવ્યા, પણ તેમની સાથે દુર્વ્યવહાર પણ થયાનો આક્ષેપ કરવા સાથે સફાઈ કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે.

કોર્પોરેશનના અધિકારીઓનો આ વ્યવહાર સફાઈ કર્મચારીના આગેવાન ગુણવંતભાઈ સહન કરી શક્યા નહીં અને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તેમની તબિયત નાજુક છે. કર્મચારીઓના જણાવ્યાનુસાર, ગુણવંતભાઈએ આ પગલું ભર્યું તે અનુસંધાને સફાઈ કર્મચારીના યુનિયનના અન્ય સભ્યો પોલીસ ફરિયાદ કરવા પણ ગયા તો તેમની ફરિયાદ લેવામાં ન આવી, તેથી છેવટે તેમની પાસે હડતાળનો જ વિકલ્પ બચ્યો હતો. આ કારણે તેઓ હડતાળ કરીને બેઠા છે અને અમદાવાદ શહેરનું સફાઈનું કામ હાલ ઠપ્પ છે. સફાઈ કર્મચારીઓની માંગણી અનેક વર્ષોથી પેન્ડિંગ છે, પણ હડતાળનું ઉગ્ર સ્વરૂપ તો ગુણવંતભાઈ સાથેનો દુર્વ્યવહાર છે.

જોકે આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી સફાઈ કર્મચારીઓને મળવા આવવાની કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ પહેલ કરી નથી (આ લખાય છે ત્યાં સુધી). કોરોનાના શરૂઆતના કાળમાં જેઓને કોરોના વોરિયર્સ તરીકે ખુબ સન્માન આપ્યું, તેઓને જ્યારે પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તેને સાંભળવા કોર્પોરેશનના અધિકારીઓ માટે વધુ જરૂરી બન્યું છે.