મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં એક પોલીસકર્મીએ એક અધિકારીની અંગત કાર ચેકિંગ માટે રોકતા અધિકારી અને તેની પત્નીએ પોલીસકર્મી સાથે દાદાગીરી કરી અપશબ્દો બોલ્યાની ઘટના સામે આવી છે.

ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ વેલજીભાઇ ગોપલભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગત રાત્રે હોમગાર્ડ સાથે શાસ્ત્રીબ્રિજના ચેડાની ચેકપોસ્ટ ખાતે ફરજ પર હતા. આ દરમિયાન સવા ત્રણ વાગ્યે નારોલ સર્કલ તરફ ડસ્ટર કાર MH 02 CZ 0049 ને ચેકિંગ માટે રોકી હતી. જેથી કારમાં સવાર વસ્ત્રાપુરની સુચી બિલ્ડિંગમાં રહેતા અને સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશ્નર રાજેશ દહીયા, તેમના પત્ની અને ડ્રાયવરે અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ? એમ કહીને અપશબ્દો પણ કહ્યા હતા. ત્યાર બાદ પોલીસકર્મીની વર્દીનો કોલર પકડીને બટન તોડી નાખી ઝપાઝપી કરી હતી. જ્યાર બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. ફરિયાદના આધારે ફરાર આરોપીઓ રાજેશભાઇ ચંદ્રરુપ સિંહ દહિયા, રાજેશભાઇની પત્ની ડેઝરે ક્લેમન્સની પ્રોહિબિશન તથા પોલીસની ફરજમાં રુકાવટના કલમો હેઠળ ધરપકડ કરી છે.