મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદ: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા રત્નમ ફ્લેટમાં મંગળવારની સવારે બિલ્ડર ધર્મેશ શાહે  પોતાની પત્ની અને બે દીકરીઓને ગોળી મારી અને હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ તેણે જ પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ધર્મેશ  શાહે પોતાને ૧૫ કરોડનું દેવું થઈ ગયું હોવાને કારણે તેણે પોતાના પરિવારને ખતમ કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આત્મહત્યા કરવાની હિંમત નહીં થતાં તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસની પુછપરછમાં બિલ્ડરે જણાવ્યું કે તેણે કુલ ૧૫ કરોડ રૂપિયા પૈકી સાત કરોડ રૂપિયા વિવિધ લોકોના લીધા હતા. જ્યારે આઠ કરોડ ખાનગી ફાઇનાન્સર પાસેથી લીધા હતા. તેના પરિવારમાં પત્ની અને દીકરી હેલી અને દીક્ષા હતા. હેલી પોતે આર્કિટેકટ અને પિતાના વ્યવસાયમાં પિતાને મદદ પણ કરતી હતી. જ્યારે દીક્ષા  એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. ધર્મેશની ઈચ્છા દીક્ષાને વિદેશ ભણવા મોકલવી હતી, પરંતુ કરોડોનું દેવું માથે હોવાને કારણે તેઓ દીક્ષાને વિદેશ મોકલી શકતા ન હતા.

માથે ચડેલું દેવું કોઈપણ રીતે ઉતારી શકાય એમ નથી તેવું તે માનવા લાગ્યા હતા. ઘણા દિવસથી મનમાં ચાલી રહેલી આ પ્રક્રિયા બાદ પરિવાર સાથે પોતાને ખતમ કરી  નાખવાનો નિર્ણય કર્યો હતો. આજે મંગળવારે સવારે સાત વાગ્યે પોતાના બેડરૂમમાં સૂઈ રહેલી બે દીકરીઓને પોતાની પાસેની પરવાનાવાળી રશિયન બનાવટની રિવોલ્વોરમાંથી ગોળી મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં બેડરૂમમાં આવી પત્ની અમીને ગોળી મારી હતી.

આ ઘટના બાદ પોતે આત્મહત્યા કરવા માગતા હતા, પરંતુ ઘણી હિંમત કરવા છતાં પોતાને ગોળી મારવાની હિંમત થઇ નહીં એટલે એક કલાક બાદ તેમણે સામે ચાલી પોલીસ કંટ્રોલરૂમને ફોન કરી હત્યાની જાણકારી આપી હતી.