મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ અવારનવાર સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતરીને સફાઈ કરવી પડતી હોય તેવા કિસ્સા સામે આવતા રહે છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા હતા કે કોઈ પણ સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતરીને કામ કરવું નહીં અને જો ઉતરવું પડે એવી જ સ્થિતિ હોય તો સુરક્ષાના બધા સાધનોની સાથે જ ગટરમાં ઉતરવું તેમ છતાં સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાકટરો સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવાની ફરજ પાડે છે. જેના પરિણામે કેટલાય સફાઈ કર્મચારીઓને પોતાના જીવ ગુમાવવો પડે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કોન્ટ્રાક્ટર્સ પાસે સાધનો હોતા નથી તો તેમને કોન્ટ્રાક્ટ જ કેમ આપવામાં આવે છે અને સાધનો છે તો ઉપયોગ ન કરવા પર ગંભીર કાયદો બનાવવાની માગ ફરી ઉઠવા પામી છે.

આજે અમદાવાદમાં બોપલમાં આવેલી ડી.પી.એસ સ્કૂલની પાસે આવેલી બોપલ - શીલજ કેનાલની પાસે આવેલી ડ્રેનેજ લાઈનમાં ત્રણ સફાઈ કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ નવી ડ્રેનેજ લાઈન સાથે જૂની લાઈન જોડતી વખતે ત્રણ સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ સેફ્ટીના સાધનો વગર ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. જૂની ડ્રેનેજ લાઈનમાં ઝેરી ગેસ હોવાને કારણે ગૂંગળામણ થવાથી એક કર્મચારી બેભાન થઈ ગયો હતો અને તેને બચાવવા બીજા બે કર્મચારીઓ ગટરમાં ઉતર્યા હતા અને છેવટે ત્રણે સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. ગટરમાં ઉતરેલા ત્રણ સફાઈ કર્મચારીઓ પૈકી બે કર્મચારીઓના મૃતદેહ ફાયરબ્રિગેડ દ્વારા બહાર લાવવામાં આવ્યા છે જ્યારે એક સફાઈ કર્મચારીનો મૃતદેહ હજુ સુધી (આ લખાય છે ત્યાં સુધી) મળ્યો નથી જેની શોધખોળ ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ્યારે પણ કોઈ કોન્ટ્રાકટરને ગટરનાં કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે તેની પાસે ગટરમાં ઉતારવા માટે સફાઈ કર્મચારીઓને આપવાના સાધનોની યોગ્ય ચકાસણી કરીને જ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો શું આ કોન્ટ્રાકટર પાસે આ સાધનો નહીં હોય? અને જો સાધનો હોય તો આ સફાઈ કર્મચારીઓને તેમના જીવના જોખમે સાધનો વગર ગટરમાં કેમ ઉતારવામાં આવ્યા?

સાણંદ ડિવિઝન ડીવાયએસપી કે. ટી. કામરીયા ઘટના સ્થળ પર હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે, " પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી બે સફાઈ કર્મચારીઓના મૃતદેહ મળી ચૂક્યા છે અને એકની શોધખોળ ચાલી રહી છે ત્યાર બાદ મૃતકોના પરિવારજનો દ્વારા કોન્ટ્રાકટરના વિરુદ્ધ આઈપીસી ૩૦૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે."