મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આવતીકાલ ગુરુવારને 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ઢોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોની અભિનેત્રી મોનલ ગજ્જરે અમદાવાદમાં તેની સામે જ એક વેપારીઓ પેશાબ કરી અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કર્યો છે. આ સાથે તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

એક્ટ્રેસ મોનલ ગજ્જરે આ અંગે ફેસબુક પર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં એક વેપારી જાહેરમાં પેશાબ કરતા મોનલે તેનો વિરોધ કર્યો હતો પરંતુ વેપારીએ માફી માગવાને બદલે અભદ્ર વર્તન કર્યું હતું. આ અંગે ફેસબુક પોસ્ટમાં મોનલે લખ્યુ છે કે...

મારી એક વાત માનશો?

હાય અમદાવાદીઓ! કેમ છો? હું મોનલ ગજ્જર. આજે મારે એક વાત કહેવી છે. પણ તે પહેલાં આ વિડીયો બતાડવા માંગીશ. જાહેરમાં પેશાબ કર્યા બાદ દલીલ કરતા આ ભાઈ આપણા અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં ઝેરોક્ષની મોટી દુકાન ધરાવે છે. માથા પર તિલક લગાડીને ભગવાનના મોટા ભક્ત હોવાનો દેખાડો કરીને જાહેરમાં પેશાબ કરનારા આવા ઘણા લોકો આપણી આસપાસ જોવા મળતા જ હોય છે. શરમની વાત એ છે કે આમને કોઈ શરમ જ નથી. ના જાહેરમાં પેશાબ કરવાની કે ના કોઈ યુવતી સાથે અસભ્યતાથી વાત કરવાની! ત્યારે International Woman's Day પર મારી અને મારા જેવી અનેક યુવતીઓની એક વાત માનશો? જાહેરમાં પેશાબ કરવાનું બંધ કરો. કોઈ પણ જાહેર જગ્યાએ જો ટોઇલેટ ન હોય તો કેટલી મુશ્કેલી પડે છે તે અમારા કરતા વધારે સારી રીતે કોઈ ન સમજી શકે! પણ એનો અર્થ એ નથી કે આપણા પોતાના શહેરને ગંદુ કરીએ. આ ભાઈ કરતા વધારે સમજ તો મારા પાલતુ ડોગને છે. જે ઘરની બહાર ગયા બાદ જ પેશાબ કરે છે... હવે તમે નક્કી કરો કે તમારે સમાજના જવાબદાર નાગરિક બનવું છે કે રસ્તા પર પેશાબ કરતા પ્રાણી?