મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં તલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો બુધવારે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આરોપ આરોપ મુકવામાં આવ્યો કે, ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ઉગ્રે દેખાવો કર્યા હતા. જેમાં ધરણા સાથે રામધૂન કરતા કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના દબાણથી ભગવાન બારડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે રજૂઆત કરવા છતાં રાજ્યપાલ તરફથી કોઇ જવાબ મળ્યો નથી. જેમાં વિધાનસભાના અધ્યક્ષના હાથ બંધાયેલા છે. સસ્પેન્શન મુદ્દે ફરી વિચાર કરવા વિધાનસભાના અધ્યક્ષ તૈયાર પણ નથી.

છેલ્લા કેટલાક દિવસથી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ હવે આક્રમક મુડમાં આવ્યા છે. આજે તેમણે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેસી જઇને રામધૂન બોલાવી હતી. જ્યારે આ મુદ્દે આહિર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરી મોરચો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં મળેલી આહિર સમાજની બેઠકમાં તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આહિર સમાજે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. જેમાં આગામી ૧૭મી માર્ચે આહિર સમાજ વેરાવળમાં એક વિશાળ સંમેલન યોજી પ્રદર્શન કરશે. આહિર સમાજનાં અગ્રણી ભગવાન બારડના સસ્પેન્સન મુદે તેમણે હાઇકોર્ટમાં સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી છે. કોંગ્રેસે અગાઉ આ મુદ્દે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તે રાજ્યવ્યાપી પ્રદર્શન કરી અને આ મુદ્દે વિરોધ કરશે.