મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુઃ જમ્મુ કશ્મીરના પુલવામામાં ગત ૧૪ ફેબ્રુઆરીએ ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા. આ હુમલાથી આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ ઘણું ઉત્સાહીત થઈ ગયું છે અને દેશના અન્ય ભાગોમાં પુલવામા કરતાં પણ મોટા એટેકનું ષ્‍ડયંત્ર રચી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ તેને લઈને એલર્ટ આપ્યું છે. ગત ૧૬-૧૭ ફેબ્રુઆરીએ જૈશના સરગના અને કશ્મીરમાં તેના આતંકવાદીઓ વચ્ચે થયેલી વાતચિત દ્વારા ગુપ્તચર એજન્સીઓએ તે હુમલાનો અંદેશો આપ્યો છે.

એક ખાનગી ન્યૂઝને મળેલી માહિતી પ્રમાણે જૈશ આતંકીઓ એક વધુ મોટા હુમલા કરી મોટી સંખ્યામાં ભારતીય સૈનિકોને નિશાન બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. બુધવારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અધિકારીએ કહ્યું કે, અલગ અલગ જગ્યાઓથી મળી રહેલી જાણકારીથી એવું લાગી રહ્યું છે કે જૈશ જમ્મુ કશ્મીર કે તેનાથી બહાર મોટા હુમલાની તૈયારીમાં લાગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે સૈન્ય ગુપ્ત સૂચનાઓના આધારે તેમને માહિતી મળી હતી કે ડિસેમ્બર મહિનામાં જૈશના અંદાજીત ૨૧ આતંકીઓએ કશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. આ આતંકીઓના ઈરાદા અહીં ઘાટીના સાથે ત્રણ અન્ય જગ્યાઓ પર હુમલો કરવાના છે.

જૈશના આગેવાન અને આતંકીઓ વચ્ચેની વાતચિતમાં એવું પણ સામે આવ્યું છે કે પુલવામા એટેકનો એક વીડિયો બનાવવામાં આવ્યો છે. તે વીડિયોમાં પુલવામા હુમલાના આત્મઘાતી હુમલાવર આત્મઘાતી આદિલ અહેમદ ડારને નાયકની ભૂમિકામાં બતાવાયો છે. સાયકોલોજિસ્ટનું માનવું છે કે આ વીડિયો દ્વારા ઘાટીમાં જૈશના માટે યુવા આતંકીઓની ફૌજ તૈયાર કરવી સરળ બનશે જે તે વીડિયોથી પ્રેરિત થઈને આત્મઘાતી હુમલાવર બનવાના તેમના ઈરાદાઓને પુરા કરી આપશે.

બીજી તરફ, પોલીસ આ વાતચિતને હાલ આતંકીઓની મનોવૈજ્ઞાનિક ચાલ માની રહી છે. જોકે પોલીસનું કહેવું એ પણ છે કે તેને લઈને ગંભીર છે અને પુરી રીતે એલર્ટમાં છે જેથી આગળ પુલવામા જેવી કોઈ ઘટના ન ઘટે.