મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ પણ કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ હોય અને નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દે એવા સંજોગો ઉભા થયા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે નારાજગી અને રાજીનામાને લઇને માડમે મગનું નામ મરી ના પાડી, ધૂમાડો હોય ત્યાં આગ જરૂર હોય એમ કહી પાર્ટી લેવલે થતી અવગણનાને લઇને આડકતરી નારાજગી દર્શાવી છે. આ ઉપરાંત પાર્ટીમાં પ્રશ્ર્નો, તકલીફો અને સમસ્યાઓ છે એમ સ્વિકારી પાર્ટીની આંતરિક બાબતો પાર્ટીમાં જ ચર્ચાઇ શકે, સમય આવ્યે તમામ સમસ્યાનું નિવારણ થઇ જશે એમ પણ તેઓએ ઉમેર્યું હતું. જો સિનિયર નેતાગીરી એક પછી એક પાર્ટીથી મોઢુ ફેરવી લેશે તો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકવાની શક્યતાઓ રાજકીય વિશ્ર્લેષકો ગણાવી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજ્યના પદાધિકારીઓની વરણી બાદ કોંગ્રેસની સિનિયર નેતાગીરીમાં વ્યાપેલી નારાજગી હવે સ્પષ્ટ સામે આવી રહી છે. પ્રથમ મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઇ અને ત્યારબાદ રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળિયાએ જાહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સિનિયર નેતાગીરીની થતી ઉપેક્ષાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ત્યાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસને આંચકો આપી આડકતરી નારાજગી દર્શાવી છે. જામનગરના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના તેવર પણ જીવાભાઇ અને કુંવરજીભાઇ જેવા દેખાઇ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી બાદના સમીકરણો અને પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીમાં બદલાવ તેમજ તાજેતરમાં પૂર્વ થયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની વરણીને લઇને કોંગ્રેસની સિનિયર નેતાગીરીમાં પક્ષ પ્રત્યે ક્યાંકને ક્યાંક નારાજગી સામે આવી છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે પક્ષ પ્રત્યેની નારાજગીનો આડકતરો ઇશારો કરી કોઇપણ પાર્ટીની અંદર સમસ્યાઓ, પ્રશ્ર્નો અને તકલીફો હોય જ છે પરંતુ આ બાબતો પાર્ટીની આંતરિક બાબતો હોય છે અને તેની ચર્ચા પણ પાર્ટીની બેઠકોમાં બંધ બારણે જ થાય છે. ધૂમાડો હોય ત્યાં આગ હોય એમ કાર્યકારણના સંબંધને આગળ ધરી વિક્રમ માડમે પક્ષ પ્રત્યેની નારાજગીનો અછડતો ઉલ્લેખ કરી જ દીધો હતો. બીજી તરફ પૂર્વ સાંસદના મિત્રવર્તુળ અને વિશ્વાસપાત્ર સુત્રોમાંથી મળેલી વિગત મુજબ સતત અવગણનાને લઇને પાર્ટીથી નારાજ વિક્રમ માડમ આગામી સમયમાં મોટું પગલું ભરી પક્ષમાંથી રાજીનામું આપી દે તો નવાઇ નહીં!! તો બીજી તરફ પૂર્વ સાંસદ વિક્રમ માડમ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત નથી કરતા પરંતુ અંદરખાને મોવડી મંડળ અને પક્ષથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ હોય તેવું જરૂર લાગી રહ્યું છે.

બીજી તરફ આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓની નારાજગી કોંગ્રેસ માટે મોટા ફટકારૂપ પણ સાબિત થઇ શકે છે. રાજકીય વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર કોઇપણ પાર્ટીને સિનિયર નેતાગીરીની અવગણના હંમેશા નુકશાન જ કરતી આવી છે ત્યારે હાલ કોંગ્રેસી સિનિયર નેતાઓની નારાજગી પણ કોંગ્રેસ માટે ચોક્કસથી આફતરૂપ બનશે પરંતુ હાઇકમાન્ડ નારાજ નેતાઓની નારાજગી દૂર કરી ટૂંક સમયમાં જ બધુ સમુસૂતરૂ પાર પાડી દેશે એમ પણ તેઓએ વ્યૂહ દર્શાવ્યો છે.