મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: બહુ ગાજેલ રાસાયણિક ખાતરના વજન કૌભાંડ રાજ્ય વ્યાપી બન્યું છે. આજે કિસાન કોંગ્રેસના ચેરમેન અને જામજોધપુર ધારાસભ્ય ધ્વારા જામજોધપુરના ડેપો પર ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. ખાતરનો જથ્થો ઓછો આપી મસમોટું કૌભાંડ આકાર પામ્યું હોવાનો આગેવાનોએ આક્ષેપ લગાવ્યો હતો.

જેતપુરમાં ખાતર કૌભાંડ પકડાયા બાદ રાજ્યવ્યાપી આ કૌભાંડ સામે આવ્યું છે.જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન  ઘટાડો સામે આવ્યો હતો. પરંતુ આજે જામજોધપુર ખાતે જીએટીએલના ખાતરના ડેપો પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ખરાઈ કરી હતી. જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ્યો છે. અહીં બે બીજી બાબતો સામે આવી હતી. ડીએપી બાદ જામજોધપુર ગોડાઉનમાં પડેલી બોરીઓમાં સરદાર એ પી એસ બ્રાન્ડ અને એન પી કે બ્રાન્ડમાં પણ 300 થી 500 ગ્રામ વજન ઘટાડો સામે આવ્યો છે.

ગુરુવારે  કૃષિમંત્રિ અને જીએસએફસીના અધિકારીઓ કહેતા હતા કે આ ટેક્નિકલ ભૂલ છે. પરંતુ ટેક્નિકલ ભૂલ હોય તો કોઈ એક બેચના એક લોટમાં ભૂલ હોય અહીં તો જીએસએફસીની બધી જ પ્રોડક્ટમાં વજન ઘટાડો સામે આવ્યો છે. જે સાબિત કરે છે કે આ ભૂલ નથી, બેદરકારી પણ નથી પણ બુદ્ધિશાળી લોકોએ બુધ્ધિપૂર્વક આચરેલું ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર છે, કૌભાંડ છે એમ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન પાલ આંબલિયાએ મત દર્શાવ્યો છે.