મેરાન્યૂઝ નેટવર્ક, પાનીપત: તાજેતરમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હાર્યા બાદ ભાજપ માટે હવે રાહતના સમાચાર એ છે કે આજે જાહેર થયેલ હરિયાણાના પાંચ શહેરોના કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપે તમામમાં વિજય હાંસલ કર્યો છે. જેના પર હરિયાણાના મુખ્યમંત્રી મોનોહરલાલ ખટ્ટરે ખુશી વ્યક્ત કરતા તેમણે કરેલા વિકાસને આ માટે જવાબદાર ગણાવ્યો છે.

હરિણાયાના પાનીપતમાં મેયર પદના ઉમેદવાર અવનીત કૌરની જીત થઇ છે. રોહતકમાં ભાજપના મેયર પદના ઉમેદવાર મનમોહન ગોયલની જીત થઇ છે. હિસારમાં ગૌતમ સરદાના અને યમુનાનગરમાં મદન ચૌહાણનો વિજય થયો છે. તો કરનાલમાં પણ ભાજપના ઉમેદવાર રેણુ બાલાનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં મેયર પદની સીધી ચૂંટણી થાય છે એટલે કે શહેરના મેયર કોણ બનશે તે મતદાર નક્કી કરે છે. જ્યારે ગુજરાતમાં એવી શાસકીય વ્યવસ્થા છે કે શહેરના જીતેલા કોર્પોરેટર મેયર નક્કી કરે છે.

હરિયાણામાં ગત 16 ડિસેમ્બરના રોજ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે મતદાન યોજાયુ હતું અને આજે 19 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થયા છે. આ ચૂંટણીઓમાં 70 ટકા મતદાન થયું હતું એટલે કે 14 લાખ મતદારોએ વોટિંગ કર્યું હતું.