મેરાન્યૂઝ નેટવર્ક, નાગપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીઓમાં પોતાને 'ચોકીદાર' કહી રહ્યા છે તો કોંગ્રેસ સહિતનો વિપક્ષ 'ચોકીદાર ચોર હૈ' ના નારા લગાવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇકાલ ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજીત ચૂંટણીસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી બાદ 'ચોરી' ની તપાસ થશે અને 'ચોકીદાર' જેલમાં જશે.

રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કોઈપણ મજૂરના ઘરની બહાર ચોકીદાર નથી હોતો પરંતુ અનિલ અંબાણીના ઘર બહાર હજારો ચોકીદાર છે, ચોરીના પૈસાની ચોકીદારી કરવા માટે. આ કોઈ નાની ચોરી નથી. હું તમને જણાવવા માંગુ છું કે ચૂંટણી બાદ તપાસ થશે અને જેલમાં બીજો ચોકીદાર હશે. જેલની બહાર બીજા ચોકીદાર હોય છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો હતો કે મોદીએ રાફેલ વિમાન ખરીદવાના સોદામાં ફેરફાર કર્યો જેના કારણે તેની કિંમત વધી ગઇ. સુરક્ષા મંત્રાલયના દસ્તાવેજ જણાવે છે કે નરેન્દ્ર મોદીએ મૂળ સોદામાં ફેરફાર કર્યો અને એક વિમાન 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું. નરેન્દ્ર મોદીની ઉંમર થઇ ગઇ છે અને તેઓ વૃદ્ધ થયા ગયા હોવાથી ઉતાવળમાં છે અને તેઓ ખોટા વચનો આપી રહ્યા છે.