મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: જામનગરમાં સ્ત્રી વિકાસ ગૃહમાં પતિના ત્રાસથી આશ્રય લઇ રહી રહેલી આફ્રિકન મહિલાને પોતાના દેશના દુતાવાસના સદસ્યો આવીને આજે પરત લઇ ગયા છે. 10 વર્ષ પૂર્વે પોરબંદરના રાણાવાવના એક શખ્સ સાથે મોજાબીક ખાતે કરેલા લગ્ન બાદ આ મહિલા તેના બન્ને સંતાનો અને પતિ સાથે ભારત આવી સ્થાયી થઇ હતી. જોકે પોરબંદર પંથકના પતિએ અહીં ત્રાસ આપતા મહિલાએ આફ્રિકન દુતાવાસની મદદ માંગી હતી. જેને લઇને સ્થાનિક તંત્રએ સાથે રહી ભોગગ્રસ્ત મહિલા અને તેના બે સંતાનોને પતિના ત્રાસમાંથી છોડાવી હતી. ત્યારબાદ આફ્રિકન દુતાવાસની ટીમ આજે જામનગર આવી આફ્રિકન મહિલા અને તેના બે સંતાનોનો કબ્જો સંભાળી દિલ્હી રવાના થઇ હતી.

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં રહેતા દિલાવરખાન સરવાણી નામનો યુવાન એક દાયકા પૂર્વે આફ્રિકાના મોજામ્બીકમાં રોજીરોટી અર્થે ગયો હતો. દરમિયાન મોજામ્બીકમાં રહેતી ડીરસી નામની સ્થાનિક યુવતિ સાથે મનમેળ થઇ જતાં બન્નેએ લગ્ન કરી લીધા હતાં. આ લગ્નગાળા બાદ દંપતિને કામીલા (ઉ.વ.9) અને નાહિદખાન (ઉ.વ.7) નામના પુત્ર-પુત્રી અવતર્યા હતાં. એક દાયકો આફ્રિકાના દેશમાં વિતાવ્યા બાદ પોરબંદરનો શખ્સ પોતાના આ પરિવારને ગત વર્ષે રાણાવાવ લઇ આવ્યો હતો.

થોડો સમય શાંતી રહ્યા બાદ દિલાવરખાને પત્ની અને બાળકોને ત્રાસ ગુર્જારવાનો શરૂ કર્યો હતો અને બાળકો સાથે પણ મારકુટ કરવાનું શરૂ કર્યુ હતું જેને લઇને ડીરસીએ મોજામ્બીક ખાતે રહેતા પોતાના માતા-પિતાને પતિના બદલાયેલા તેવર અંગે જાણ કરી હતી. આફ્રિકન માતા-પિતાએ પુત્રી પરના ત્રાસને લઇને ત્વરીત સ્થાનિક ભારતીય દુતાવાસમાં ફરિયાદ કરી હતી. જેને લઇને દિલ્હી ખાતેના આફ્રિકન દુતાવાસે આ અંગે ગુજરાત સરકાર સમક્ષ સમગ્ર ઘટના રાખી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. આ બનાવ સામે આવતા જ 181ની ટીમે બે દિવસ પૂર્વે રાણાવાવ ખાતે રહેતી ડિરસી અને તેના બે સંતાનોને દિલાવરખાનની ચુંગાલમાંથી મુકત કરાવી જામનગર વિકાસ ગૃહમાં લઇ આવ્યા હતા.

આજે મોજામ્બીક દુતાવાસના લોવરા દા ગ્રેસા સિલ્વા અને તેની સાથેની ટીમ જામનગર આવી પહોંચી હતી અને ડીરસી અને તેના બન્ને સંતાનોને લઇ પરત દિલ્હી રવાના થઇ હતી. વિકાસ ગૃહ છોડતા પૂર્વે સાથે રહેલ જામનગર દહેજ પ્રતિબંધીત અધિકારી પી.આર. ડોડીયા અને સંસ્થાના કાર્યકરોનો વિદેશી દુતાવાસની ટીમે આભાર વ્યકત કર્યો હતો.