મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં વધારે મૂડી રોકાણ કરવાનાં હેતુથી આગામી 19 જાન્યુઆરીએ આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવશે. ભારતની સૌથી મોટી બિઝનેસ સમિટમાં પ્રથમવાર આફ્રિકા ખંડના બે દેશો દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે. આ પ્રસંગે આરોગ્ય, શિક્ષણ અને ખનીજ વિકાસ જેવા ક્ષેત્રમાં 12-15 જેટલા સમજૂતી કરાર થવાની સંભાવના છે.

આ ઈવેન્ટ્સના આયોજન માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર્સ ઑફ કોમર્સની આયોજક પાર્ટનર માટે પસંદગી કરવામાં આવી હોવાની માહિતી આપતા અગ્ર સચિવ એસ.જે.  હૈદરે કહ્યું કે, નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકા અને મોરક્કો ભાગીદાર દેશ તરીકે રહેશે. આ સમિટમાં બંન્ને દેશો તેમના પ્રતિનિધિ તરીકે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રીઓ,અધિકારીઓની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ-ગૃહના ઉદ્યોગપતિ પણ રહેશે. આ પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ, મૂડીરોકાણ, વેપાર અને ડીજીટલ ઈકોનોમીના મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગકારો તેમજ ઉર્જા, ખાણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

એસ.જે.હૈદરે કહ્યું કે, આફ્રિકન ડેની એક દિવસીય ઈવેન્ટની શરૂઆત સવારે પ્લેનરી સેશનથી થશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આફ્રિકાના પ્રધાનો તથા આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવેલપમન્ટ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત આફ્રિકન રાજ્યોના વડાઓ સાથે કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આફ્રિકન દેશો સાથેના વેપાર-વાણિજ્ય ક્ષેત્રે રહેલા તકો અને પડકારો સંદર્ભે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકન દેશોમાં ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ, નિકાસની તકો, જમીનની પ્રાપ્યતા, મંજૂરી, કુશળ શ્રમિકોની ઉપલબ્ધિ અને સરકારી નીતિઓ અને પ્રશાસનિક બાબતો જેવા ક્ષેત્રો પણ ભારતીય ઉદ્યોગકારો અને  આફ્રિકાના દેશોમાં ઉદ્યોગકારોને એકબીજા દેશોમાં રોકાણની તકો માટે પ્રેરિત કરશે.  

આ ઇવેન્ટના મહત્વ વિશે જણાવતા અગ્ર સચિવ એસ.જે.હૈદરે કહ્યુ કે, આ ઈવેન્ટમાં હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુન:પ્રાપ્ય ઉર્જા, ખેતી આધારિત ઉદ્યોગો, હિરા અને ઝવેરાતનો વેપાર, ખાણ અને ખનિજ અને કૌશલ્ય નિર્માણ જેવા મહત્વના વિષયો આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળનું ધ્યાન આકર્ષિત કરશે.

આ ઈવેન્ટ્સ દરમિયાન આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ અને ખનીજ વિકાસ જેવા ક્ષેત્રમાં અંદાજિત 12-15 જેટલા સમજૂતી કરાર થવાની સંભાવના છે. આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનું પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે.