મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકારે વિજીલન્સ કમિશનર તરીકે 1980 બેચના નિવૃત્ત સનદી અધિકારી એચ કે દાસને એક વર્ષ માટેનું એક્સટેન્શન આપીને આગામી 30મી જુલાઈના રોજ ગૃહવિભાગના અધિક મુખ્યસચિવના પદેથી નિવૃત્ત થનાર એમ એસ ડાગુરનું પત્તું કાપી નાખ્યું છે. નિવૃત્ત સનદી અધિકારી એચ કે દાસની ગત 30 જૂનના રોજ નિવૃત્ત થયા બાદ તેમને એક વર્ષ માટે વધુ એક વખત એક્સટેન્શન આપી વિજીલન્સ કમિશનર બનાવાયા છે.

રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુર આગામી 30 જુલાઈના રોજ વય મર્યાદાના કારણે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. એમ એસ ડાગુરને ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ બનાવવામાં મુખ્ય સચિવ જે એન સિંગનો સિંહફાળો છે. ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ ડાગુર અને સંયુક્ત સચિવ નિખીલ ભટ્ટ વચ્ચે 36નો આંકડો છે. ડાગુરે નિખીલ ભટ્ટ વિરુદ્ધમાં સંખ્યા બંધ ઈન્કવાઈરીસ ઊભી કરી જેના કારણે સરકાર ડાગુરથી નારાજ થઈ ગઈ હતી, પરંતુ સરકાર પાસે ડાગુર સિવાયનો કોઈ વિકલ્પ ન હોવાથી ડાગુરને આ પદ પર કાયમ રાખ્યા હતા.

વિજીલન્સ કમિશનર એચ કે દાસ 1980 બેચના સનદી અધિકારી છે અને 2015માં એપ્રિલ 2015માં તેઓ નિવૃત્ત થયા હતા અને તેમને માર્ચ 2016માં વિજીલન્સ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેઓ ગત 30 જૂનના રોજ વિજીલન્સ કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. જે પછી તેમનો વધારાનો હવાલો ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુરને સોંપાયો હતો. ડાગુર આ મહિનાની 30 જુલાઈના રોજ સેવાનિવૃત્ત થાય છે, નિવૃત્ત થયા બાદ સરકારી પદ મેળવવા માટે ડાગુર વિજીલન્સ કમિશનર બનવા અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. તેમના ગોડફાધર પણ ડાગુરને આ પદ મળે તે માટે પોતાની તાકાત વાપરી પરંતુ સરકારે ડાગુરનું પત્તુ કાપવા માટે 11 દિવસ બાદ વિજીલન્સ કમિશનર તરીકે એચ કે દાસને ફરી વધુ એક વર્ષ માટેનું એક્સટેન્શન આપી દીધું છે.