મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ એએઆઈ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા દેશના ૬ એરપોર્ટસ્ટને અપગ્રેડ અને સંચાલન કરવા માટે બીડ્સ મુકવામાં આવી છે જે પૈકીની ૫ બીડ્સ અદાણીને મળી ગઈ છે. સૂત્રોની માહિતી પ્રમાણે અદાણી ગ્રુપે તમામ એરપોર્ટ્સ માટે બીડ્સની અરજી કરી હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી ગુવાહાટી એરપોર્ટની બીડ હજુ સુધી ખુલી નથી. ઉલ્લેખનીય છે કે જે ૫ એરપોર્ટ્સની બીડ્સ અદાણી ગ્રુપને મળી છે તે એરપોર્ટ્સને હવે ૫૦ વર્ષ માટે અદાણી ગ્રુપ ઓપરેટ કરશે અને અપગ્રેડ કરશે.

જે એરપોર્ટ્સની બીડ્સ અદાણીને મળી છે તે એરપોર્ટમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી અદાણી ગ્રુપનો એવિએશનમાં પ્રવેશ થશે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં એન્ટ્રી માટે પ્રયત્ન કરી રહ્યું છે અને આ માટે તેની વાતચીત ચાલી રહી છે. જો શકય બનશે તો તે GVK પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરનો મુંબઈ એરપોર્ટનો હિસ્સો પણ ખરીદી લેશે.

ઉલ્લેખનીય છે કે ગુવાહાટી એરપોર્ટના ખાનગીકરણ સામે ગૈહાટી હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાના પગલે ગુવાહાટી એરપોર્ટની બીડ હજી સુધી ખુલી નથી. પ્રતિ પેસેન્જરે સૌથી વધુ પૈસા AAIને આપનાર કંપનીને બીડ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે AAIએ રવેન્યુ શેરિંગ મોડલ બંધ કર્યું છે.

દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટનું ખાનગીકરણ રેવન્યુ શેરિંગ મોડલ પર કરવામાં આવ્યું હતું. વિવિધ એરપોર્ટ્સના સંચાલન માટે GMR ગ્રુપ, નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ (NIIF), ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશન, ઓસ્ટ્રેલિયાના AMP કેપિટલ, PNC ઈન્ફ્રાટેક લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(KSIDC) સહિતના ગ્રુપે આ બીડ્સ માટે અરજી કરી હતી.