મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ફિલ્મ અને ટીવી સિરિયલની ખ્યાત અભિનેત્રી અને ગુજરાતી ફિલ્મોના એક સમયના સફળ અભિનેત્રી એવા રીટા ભાદુરીનું આજે મંગળવારે સવારે મુંબઇ ખાતે નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રીટા ભાદુરી કિડનીની સમસ્યાથી પરેશાન હતા અને છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. રીટા ભાદુરીએ હાલ હિન્દી ટીવી સિરિયલ ‘નિમકી મુખિયા’, ‘અમાનત’ ‘કુમકુમ’, ‘છોટી બહૂ’, ‘હસરતેં’, જેવી અનેક ટીવી શ્રેણીઓમાં કામ કર્યું હતું. આ સિવાય ‘જૂલી’, ‘અનુરોધ’, ‘ફૂલનદેવી’, ‘ઘર હો તો એસા’, ‘બેટા’, ‘લવ’, ‘રંગ’, ‘દલાલ’, ‘તમન્ના’ અને ‘મે માધુરી દિક્ષિત બનાના ચાહતી હુ7’, ‘કેવી રીતે જઇશ’ સહિત 71 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

રીટા ભાદુરી મુળ ગુજરાતી ન હતા. તેમનો જન્મ 4 નવેમ્બર 1955ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે થયો હતા. છતાં પણ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અભિનેત્રી રહ્યા હતા. રીટા ભાદુરીએ 1973માં પુના સ્થિત પ્રખ્યાત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (FTII)માં અભ્યાસ કર્યો હતો. તેમની સાથે એક્ટ્રેસ ઝરિના વહાબ પણ આ સંસ્થામાં એક્ટિંગમાં પાઠ ભણતા હતા.