મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સામાન્ય રીતે પોલીસ શબ્દથી લોકોમાં ડર જોવા મળતો હોય છે. તેમજ પોલીસની કામગીરી દરમિયાન થતી ભૂલોને જ મહત્વ આપવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા-સુરત હાઇ-વે પર ગતરાત્રે ફરજ પર ન હોવા છતાં રાજકોટ પોલીસના કેટલાક જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. જેમાં હાઈ-વે પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્તોને પોલીસ વાહનમાં હોસ્પિટલે ખસેડયા હતા અને પોલીસ પ્રત્યે લોકોમાં ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.

રાજકોટ પોલીસના PSI એચ.બી.ગઢવી, પૃથ્વીરાજસિંહ કનુભાઇ રબારી, અક્ષીતભાઇ, ડ્રાઈવર મહેન્દ્રભાઈ તેમજ કાળુભાઇ અંકલેશ્વર તપાસ માટે જઈ રહ્યા હતા. દરમિયાન કરજણ ગામ નજીક આગળ જતી અલ્ટો કારનું ટાયર  ફાટતા બેકાબુ થઈને રોડની ડાબી તરફ બાવળની જાડીઓમાં પલ્ટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ તકે ઉપરોક્ત તમામ પોલીસકર્મીઓએ કારમાંથી 2 પુરુષ 1 બાળક અને 2 મહીલાઓને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢયા હતા. એટલું જ નહીં તમામ ઈજાગ્રસ્તોને પોલીસના વાહનમાં જ કરજણ ખાતેની આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.