મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ તાલુકા મથક નજીકના જાયવા ગામ પાસે આજે સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યું નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે રસ્તા પર ટ્રાફીક જામ થઇ જતાં ધ્રોલ પોલીસે અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ટ્રાફીક નિયંત્રણ કરાવવા બેવડી કામગીરી પાર પાડી હતી. ઘવાયેલા પૈકી એક ની હાલત પણ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ધ્રોલ નજીક જાયવા ગામે આજે સવારે જીજે-10-સીજી-792 અને જીજે-10-સીજી-7559 નંબરની બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, બન્ને કાર એકબીજા સાથે ટકરાયા બાદ બન્ને વાહનોમાં વ્યાપક નુકશાની થઇ ફંગોળાઇ ગયા હતાં. જાણવા મળતી વિગત મુજબ સ્વીફટ કારમાં સવાર અમુલ ડેરી પ્રોડકટના ડીસ્ટીબ્યુટર મહેશ રબારીની વરના કાર સાથે રાજકોટ તરફથી આવી રહેલ એસ.આર.પી. જવાન રાજેન્દ્રસિંહ ગોહિલની સ્વીફટ કાર સાથે ટકકર થઇ હતી.

જેમાં બન્ને કારના ચાલકના અને જયેશભાઇ નામની વ્યક્તિ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજ્યા હતાં. જ્યારે સામેની વરના કારમાં સવાર જામનગરમાં ગુરૂદ્વાર ચોકડી પાસે રહેતા ભીખા જીવણ ખાંભલા (ઉ.વ.45), કિરણ વાલજી કડ (ઉ.વ.32)ને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા બન્ને ઇજા ગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવના પગલે ધ્રોલ તાલુકા પોલીસ દફતરનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને પ્રથમ જામનગર ખસેડવા કાર્યવાહી કરી હતી પરંતુ એક તરફનો ટ્રાફીક એટલો વિશાળ થઇ ગયો હતો કે ઘાયલોને રાજકોટ લઇ જવા નિર્ણય લેવાયો હતો. દરમ્યાન પોલીસે દુર-દુર સુધી જામ થયેલો ટ્રાફીક હટાવી પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.