રોહન રાંકજા (મેરાન્યૂઝ.મોરબી): સરકારને હંમેશા તેમની જીહજૂરી અને ચાપલુસી કરતા અધિકારી ગમે છે અધિકારી પ્રજાના હિતમાં કામ કરે કે ન કરે પરંતુ સરકારના હિતમાં કામ કરવા જોઈએ, તેવી સરકારની પ્રબળ માન્યતા અને ઈચ્છા હોય છે. દાહોદના મામલતદાર ચિંતન વૈષ્ણવ સરકારની નહીં પરંતુ પ્રજાની સેવા કરતા રહ્યા, તેમણે તેમની પ્રામાણિક્તાની ઊંચી કિંમત પણ ચુકવી છે. પ્રામાણિકતાને પરિણામે તેઓ ક્યારેય રાજનેતાઓને તાબે થયા નહીં અને સરકારે તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો એવોર્ડ આપ્યો છે. ૨૦૧૧ ની સાલમાં સીધા મામલતદાર તરીકે ભરતી થયેલા વૈષ્ણવનો પ્રોબેશન પીરીયડ ૮ વર્ષ સુધી ચલાવવામાં આવ્યો. જે કદાચ ગુજરાતનો પ્રથમા કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાનની આંખમાં આંખ મીલાવી ભારતીય પાયલટ અભિનંદનની કામગીરીની ઘણી સરાહના થઈ હતી, પરંતુ આ ગુજરાતનો એવો અભિનંદન છે જેણે સિસ્ટમના દુશમનો સામે આંખમાં આંખ તો મિલાવી પણ કામગીરીની સરાહનાને બદલે મળ્યો છે બરતરફીનો ઓર્ડર.

૨૪-૦૬-૨૦૧૧ના રોજ મામલતદાર તરીકે નિમણુક પામેલા ચિંતન વૈષ્ણવનો પ્રોબેશન પીરીયડ ૨૦૧૩માં પૂરો થતો હતો. તેમ છતા સરકાર દ્વારા તેમનો પ્રોબેશન પીરીયડ ૮-૧૧-૨૦૧૫ સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ ૨૦૧૫ પછી તેમનો પ્રોબેશન પીરીયડ લંબાવવા અંગે તેમને સરકાર તરફથી કોઈ જ સૂચના કે પરિપત્ર મળ્યો ન હતો તેમ છતાં તેમને પ્રમોસન અપાયું નહીં અને ૨ માર્ચના રોજ તેમને નોકરીમાંથી બરતરફીનો આદેશ આપવામાં આવ્યો છે. ચિંતન વૈષ્ણવની આઠ વર્ષમાં 12 બદલીઓ થઈ છે અને દરેક બદલી સ્થાનિક ભાજપી નેતાઓની ખોટી ભલામણ ન માનવા બદલ થઈ છે.

બરતરફીના આદેશ બાદ ચિંતન વૈષ્ણવે પોતાના ફેસબુક પર પોતાની લાગણી વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે જેમાં તેમણે લખ્યું છે કે, રાજકીય ખોટી ભલામણો અને લુખ્ખી દાદાગીરીને જરા પણ વશ થયા વગર મારી ફરજ અદા કરવાનું ઇનામ આજે મને સરકાર શ્રી તરફથી એક મોટું અને કાયમ યાદ રહે તેવા AWARD રૂપે હમણાં મળ્યું. આજે સિંઘમ ફિલ્મનો પેલો ડાયલોગ યાદ આવે છે “ઘર જાઉંગા, મહેનત કરુંગા, અપને પસીને કી ખાઉંગા, ઔર અપને બાપ સે બોલુંગા કે મર્દો વાલા કામ કરકે આયા હું” 

આ અંગે ચિંતન વૈષ્ણવ સાથે વાત થતા તેમણે મેરા ન્યૂઝને તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈ જ ખોટું કામ નથી કર્યું, મારી બરતરફીના ઓર્ડેરમાં જે મારા મનસ્વી વર્તન અંગે લખાયું છે તેની સજા રૂપે મારા ઇજાફા કાપી લેવાયા હતા. તેમજ પ્રોબેશન પીરીયડ લંબાવાયો હતો, પરંતુ ૨૦૧૫ માં મારો પ્રોબેશન પીરીયડ પુરો થયા બાદ તે લંબાયો હોવાની કોઈ જ જાણ સરકાર દ્વારા મને કરાઈ નથી, તો હજુ પણ પ્રોબેશન પીરીયડ ચાલુ કઈ રિતે ગણી શકાઈ? મને બરતરફ કરવા માટેનું કોઈ જ વાજબી કારણ પણ નથી, તેમ છતાં આદેશ અપાયો છે આ અંગે હું વકીલો સાથે ચર્ચા કરીને હાઇકોર્ટમાં અપીલમાં જઈશ.

આપને સાચી અને નિડર પત્રકારીતાનો અનુભવ કરાવતું મીડિયા મેરાન્યૂઝ લાઈક કરો

અમારા આવા જ સમાચાર વધુ વાંચવા ફેસબુક પેજ લાઈક કરવા અહીં ક્લીક કરોઃ મેરાન્યૂઝ