મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કેટલાક દૂર ઉપયોગ કરતા હોય છે અને તેના પર પાબંધી લગાવવાની અનેકવાર બૂમો ઉઠી છે બીજી બાજુ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોશ્યલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા ‘આપણું મોડાસા’ પરિવાર દ્વારા સતત ૭ માં વર્ષે ૧૮૦ મુકબધીર બાળકોને ઉંધીયું- જલેબી પીરસી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકોના ચહેરા પર ખુશીઓ છવાઈ હતી.

ઉત્તરાયણ પર્વની ઉજવણી પતંગ ચગાવાની સાથે ઉંધીયું-જલેબીની જયાફત ઉડાવવામાં આવે છે. મોડાસા શહેરમાં ‘આપણું મોડાસા’ સોશ્યલ મીડિયા ગ્રુપ પરિવારના ભગીરથ કુમાવત, હિતેન્દ્ર પંચાલ, જય અમીન, નિલેશ જોશી, નીતિન પંડ્યા, કલાબેન ભાવસાર સહીત ગ્રુપના અન્ય સદસ્યોએ ૧૮૦ દિવ્યાંગ બાળકોને ઉંધીયું-જલેબી ખવડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉત્તરાયણના પર્વે બજારોમાંથી મોંઘીદાટ દોરી અને પતંગ લાવી આકાશી યુદ્ધમાં પેચ લડાવવામાં જે આનંદ મળે તેના કરતા વધુ ખુશી આ સેવાકીય પ્રવૃત્તિથી ગ્રુપના સદશ્યોએ મેળવી હતી. છેલ્લા ૭ વર્ષથી ‘આપણું મોડાસા’ સોશ્યલ મીડિયા પરિવારના સદસ્યો આ રીતે મુકબધીર બાળકોને મકરસંક્રાંતિ ઉપર ઉંધીયું-જલેબી ખવડાવી આનંદ મેળવે છે.