મેરાન્યૂઝ નેટવર્ક, જયપુર: અમેરિકાની જાસૂસી સંસ્થા CIAના ભૂતપૂર્વ ઑફિસર અને વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેનએ ચેતવણી આપી છે કે UIDAIએ આધાર કાર્ડ દ્વારા ભારતમાં જાસૂસીની જાળ બિછાવી છે. આધાર કાર્ડ પર હંમેશાથી શંકા સેવનાર સ્નોડેને કહ્યું કે ભારતમાં જે રીતે આધાર કાર્ડને દરેક વસ્તુ સાથે લીંક કરવામાં આવી રહ્યું છે તેનાથી ભારતીયોની આઝાદી પ્રભાવિત થઇ રહી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સ્નોડેન તાજેતરમાં UIDAIનો હેલ્પલાઇન નંબર લોકોના મોબાઇલમાં આપોઆપ સેવ થઇ થવા અંગે માહિતી આપતા આ વાત કરી હતી.

સ્નોડેને કહ્યું કે UIDAI કહે છે કે અરે ફોન નંબર ખોટો છે, આવો નંબર અમે નથી સેવ કરાવ્યો. પરંતુ હકીકત તો એ છે કે તે નંબર તમારા આધાર કાર્ડની પાછળ છપાયેલો છે. UIDAI તર્ક આપે છે કે આ ગુગલની ભુલ છે. અમે કાંઇ નથી કર્યું.

જયપુરમાં એક કાર્યક્રમમાં વીડિય કોન્ફરન્સ દ્વારા એડવર્ડ સ્નોડેને કહ્યું કે એ વાત ખૂબ જ જોખમી છે કે આધાર કાર્ડનું જોડાણ અનિવાર્ય રીતે દરેક વસ્તુ સાથે કરવામાં આવી રહ્યું છે અને તે એ સ્તર સુધી કે જ્યા સુધી તમે આધાર નંબર નહીં આપો ત્યા સુધી ના તો તમે બાળકો પેદા કરી શકો છો અને ના તો બાળકનું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો. જે આધાર એનરોલમેન્ટ એજંસીઓ અને પ્રાઇવેટ કંપનીઓ આધાર કાર્ડનો ગેરઉપયોગ કરે છે તેમના વિરૂદ્ધ કાયદેસરના પગલા લેવાવા જોઈએ. આવા લોકોને જેલ હવાલે કરવા જોઈએ. જ્યારે સરકાર આધાર કાર્ડ સુરક્ષિત હોવાની વાત કરે છે ત્યારે આધાર કાર્ડની માહિતીઓ લીક થયાના અહેવાલો પણ આવતા રહ્યા છે.