મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આધાર કાર્ડ અને આધાર નંબરની પ્રાઇવસીનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે ત્યારે જ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો જૂનો હેલ્પલાઇન નંબર 1800-300-1947 ઘણા બધા લોકોના મોબાઇલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં અચાનક જ ઓટો સેવ થયો છે. એટલે કે કોઈપણ વ્યક્તિએ આ નંબર પોતાના મોબાઇલમાં સેવ કર્યો નથી છતાં આ નંબર આવી ગયો છે. જેથી ઘણા બધા લોકો આધાર કાર્ડની વિશ્વસનીયતા અને તેમના મોબાઇલમાં કેવી રીતે આ નંબર સેવ થઇ ગયો તેને લઇને અસમંજસમાં આવી ગયા છે. જ્યારે બીજી તરફ દેશની કોઈપણ એજંસી કે ટેલિકોમ કંપની પણ એ નથી જણાવી શકી કે આ કેવી રીતે થયું? જે લોકોના મોબાઇલમાં આ નંબર સેવ થયો છે તેઓ તેના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.

આ સમગ્ર બાબતની શરુઆત ત્યારે થઇ જ્યારે પોતાને એક ફ્રેંચ હેકર નામની ઓળખાવનાર એલિટ એલ્ડરસન નામના વ્યક્તિએ ટ્વિટર પર UIDAIને ટ્વિટ કર્યું કે ‘જુદીજુદી ટેલિકોમ કંપનીઓના ઘણા યુઝર્સના ફોનમાં તેમની જાણ બહાર જ આધારનો ફોન નંબર સેવ થયો છે. જેમની પાસે આધારકાર્ડ નથી, જેમના ફોનમાં mAadhaar એપ ઇન્સ્ટોલ નથી તો પછી આ નંબર કેવી રીતે લોકોના મોબાઇલમાં સેવ થઇ ગયો? 

હેકરના આ ટ્વિટ બાદ લોકોએ પોતાનું કોન્ટેક્ટ લિસ્ટ ચેક કર્યું તો ઘણા બધા લોકોના મોબાઇલમાં આશ્ચર્યજનક રીતે યુઆઇડીએઆઇનો હેલ્થ લાઇન નંબર 1800-300-1947 સેવ હતો.

આ મામલે આધાર ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે જણાવાયુ કે જે લોકોના ફોનમાં 1800-300-1947 નંબર સેવ થયો છે તે હેલ્પલાઇન નંબર જૂનો છે અને ઇનવેલિડ પણ છે. લોકોને મુંજવણમાં મુકવા માટે કોઈએ આ કામ કર્યું છે. આ નંબર એંડોઇડ યુઝર્સના ફોનમાં જ સેવ થયો છે. જે નંબર સેવ થયો છે તે બે વર્ષથી ઇનવેલિડ છે. યુઆઇડીએઆઇનો નવો ટોલ ફ્રી નંબર 1947 છે.  યુઆઇડીએઆઇ દ્વારા કોઈપણ ટેલિકોમ કંપની આ રીતે નંબર ઓટો સેવ કરવાના કોઈ આદેશ નથી અપાયા.  

બીજી તરફ આ મામલે ટેલિકોમ કંપની પણ કહી રહી છે કે તેમણે આ નંબર કેવી રીતે સેવ થયા તેના અંગે કોઈ જાણકારી નથી. આ સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા ન અપાતા હવે દેશભરના લોકોમાં એ મુંજવણ અનુભવી રહ્યા છે કે આ નંબર સેવ કેવી રીતે થયો. સાથે આધાર કાર્ડ અને આધાર નંબરની વિશ્વસનીયતા પર પણ મોટો સવાલ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફ્રેચ હેકર દ્વારા આધાર નંબર સુરક્ષિત ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.