મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘ગીફ્ટ સિટી’ બની તો ગઈ પણ તેની આજુબાજુના ગામની સ્થિતિ વિશે સરકારને કોઈ ચિંતા જ નથી. ગીફ્ટ સિટીના વિકાસ અને શો માટે ગામડાઓની ઇકો સીસ્ટમને હાની પહોંચાડવામાં આવી હોય એવી સ્થિતિ હાલ ઊભી થઇ છે.

ગીફ્ટ સિટીની પાસે જ આવેલા રતનપુર ગામ જેમાં ૧૧૦૦ લોકોની વસ્તી છે અને હાલ લોકો ‘ગીફ્ટ સિટી’ને કારણે પરેશાન છે. ‘ગીફ્ટ સિટી’ને ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવી દેવાના સપનામાં સરકાર એની જ બાજુમાં રહેલા ગામમાં લોકોને અવરજવર કરવા માટે એક એસટી બસ પણ પહોંચાડી શકતી નથી.

આ ગામમાંથી વરસાદી અને નિકાલનું પાણી પહેલા બહાર જતું રહેતું હતું. ગીફ્ટ સિટી બન્યા પછી પાણી જવાનો રસ્તો રોકાઈ ગયો અને હવે પાણી નદીમાં જતું નથી. આ પાણી રોકાઈ જાય છે જે ગંદકી કરે છે, અને વહેરામાં પાણી ભરાઈ રહે છે જે કાદવ કરે છે અને ખરાબ ગંધ મારે છે, પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છર અને અન્ય ઘણી સમસ્યાઓ ઊભી થાય છે જેથી ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. આને કારણે મચ્છરો, જીવ જંતુઓ અને સાપો પણ આ વહેરામાં જોવા મળે છે.

રતનપુર ગામના સરપંચ સેતાનસિંહ બિહોલાએ જણાવ્યું કે, ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી પણ બિસ્માર હાલતમાં છે જે સરકાર દ્વારા નવી ટાંકી અને પાણી સપ્લાય માટેની પાઈપલાઈન આપવામાં આવે તો અત્યારે જે તૂટી ગયેલી લાઈનમાંથી પાણી જાય તે બંધ થાય.

તેમણે જણાવ્યું કે ચોમાસા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનમાં ઉપરથી પાણી ટપકે છે એટલે એ મકાન પણ નવું બનાવવાની જરૂર છે. ગામમાં આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા નથી અને લોકોને આરોગ્ય લક્ષી સેવાઓની તકલીફ પડે અને ઘણી વખતે રાત્રે આરોગ્યની સેવા ન હોવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આ ગામમાંથી ગીફ્ટ સિટીમાં લોકોને નોકરી મળી હોય એવી વાત એક સ્થાનિક યુવાને નકારી કાઢી હતી અને એમ પણ કહ્યું હતું કે ગીફ્ટ સિટીના રસ્તા પરથી પણ પસાર થવા દેતા નથી.