મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: તાજેતરમાં બાજીરાવ-મસ્તાની અને દીપવીર ગણાતા રણવીર સિંગ અને દીપિકા પાદુકોણના લગ્ન થયા છે. ફિલ્મોની આ પ્રખ્યાત જોડીએ પ્રભુતામાં ડગ માંડતા દેશ-વિદેશથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને આ જોડીના ચાહક ભાઈ-બહેને બંનેને અનોખી રીતે શુભેચ્છાઓ પાઠવી છે. આ બંનેએ ત્રણ કલાકની મહેનતે રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીને રજૂ કરતી અદ્ભૂત રંગોળી બનાવી છે. આ રંગોળી નિહાળવા લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને MCA નો અભ્યાસ કરતી પ્રિયા તલસાણીયા અને તેનો ભાઈ રાહુલ વર્ષોથી રણવીર-દીપિકાની જોડીના પ્રશંસક છે. પ્રિયાએ જણાવ્યું હતું કે, રણવીર-દીપિકા પડદા પર કામ કરતા ત્યારે પણ તેમની કેમેસ્ટ્રી સાચા પતિ-પત્ની જેવી લાગતી હતી. જેને લઈને પોતે આ આકર્ષક જોડીની તમામ ફિલ્મો અનેકવાર નિહાળી છે. આ લોકપ્રિય જોડી હકીકતમાં એક થતા મેં અને રાહુલે કંઈક અનોખી શુભેચ્છા આપવાનું નક્કી કરી લીધું હતું. 

જે મુજબ ત્રણ કલાકની મહેનત કરીને રણવીર-દીપિકાની કેમેસ્ટ્રી દર્શાવતી અનોખી રંગોળી બનાવી છે. હાલ તો ઘણા લોકો આ રંગોળી જોવા આવી રહ્યા છે. આવનારા સમયમાં સોશિયલ મિડિયાના માધ્યમથી પણ આ રંગોળી રણવીર-દીપિકા નિહાળે તેવી બંનેની ઈચ્છા હોવાનું પણ તેણીએ કહ્યું હતું. ત્યારે રાજકોટના ભાઈ-બહેનની અનોખી શુભેચ્છા બાજીરાવ-મસ્તાની સુધી ક્યારે પહોંચે છે તે આવનારો સમય જ બતાવશે.