પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 19 ફેબ્રુઆરી 2019ના રોજ 14 વિધાનસભાનું સત્ર શરૂ થયુ, 1970ના દસકમાં ગાંધીનગરમાં આસ્તીત્વમાં આવેલી ઈમારતનું જુનુ થવુ સ્વભાવીક હતું. જેના કારણે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાની ઈમારતના નવીનીકરણનું કામ હાથ ધર્યુ અને અંદાજે 150 કરોડ કરતા વધુ રૂપિયા માત્ર નવીનીકરણ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં અધિકારીઓ, પ્રજા અને પત્રકારો માટે અલગ અલગ ગેલેરીની વ્યવસ્થા છે પણ જયારે પત્રકારો પહેલા તો વિધાનસભાના પ્રેસ રૂમમાં પહોંચ્યા ત્યારે તેમને આધાત લાગ્યો, કારણ પહેલા જે પ્રેસ રૂમ હતો તેના ચોથા ભાગનો પ્રેસ રૂમ થઈ ગયો, પહેલા ત્યાં ટેબલ ખુરશી, ટેલીવીઝન સેટ જેની ઉપર વિધાનસભાનું લાઈવ કવરેજ જોઈ શકાતુ હતું, આ ઉપરાંત ફોન અને ફેકસ પણ હતા.

 પરંતુ નવા રૂમમાંથી ટેબલ ખુરશી હટાવી સોફા મુકી દેવામાં આવ્યા, અને ટેલીફોન, ટીવી અને ફેકસમાં હટાવી લેવામાં આવ્યા હતા, આ પહેલી શરૂઆત હતી, ત્યાર બાદ પ્રેસ ગેલેરી જ્યાં બેસી વર્ષોથી પત્રકારો વિધાનસભાનું કવરેજ કરતા હતા, તેની બેઠક વ્યવસ્થા પણ બદલી, ચાની કીટલી ઉપર હોય તેવા બાકડા મુકી દેવામાં આવ્યા હતા, નવીનીકરણમાં સગવડ વધવી જોઈએ તેના બદલે અગવડ વધી ગઈ હતી, પત્રકારો દ્વારા સંબંધીત મંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધ્યાન દોરવામાં આવ્યું પણ તેઓ જાણે પ્રજાને આશ્વાસન આપતા હોય તેમ તેમણે હા હા કર્યું પણ કઈ થયું નહીં, વિધાનસભામાં જે સાહિત્ય ધારાસભ્ય અને મંત્રીને મળે તે પત્રકારોને પણ આપવામાં આવે છે જેથી કરી પત્રકાર ખરેખર તેનો પ્રતિનિધિ વિધાનસભામાં શું કરે છે તેની જાણકારી પ્રજા સુધી મુકે.

આ પરંપરા હતી અને વિધાનસભા સચિવનું કાર્યાલય  પણ તેનાથી વાકેફ હતું પણ હવે વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ શરૂ થાય ત્યાર બાદ પણ પત્રકારોને સાહિત્ય મળતુ ન્હોતું, ગુજરાતના પત્રકારોએ છેલ્લાં બે દસકથી માઠુ લગાડવાનું છોડી દીધુ છે, 2001થી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી ક્રમશઃ પત્રકારો અને પત્રકારત્વ ઉપર આડકતરા અનેક પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા પણ માલિકો અને તંત્રી સાથે જ સંબંધ રાખી વિધાનસભાનું કવરેજ કરતા પત્રકારો એટલે માત્ર સ્ટેનોગ્રાફર છે, અમે બોલાવીએ ત્યારે આવવાનું અને અને બોલીએ એટલું જ તમારે લખવાનું વધારે પ્રશ્ન પુછવાના નહીં, તમારી સાથે કોઈ મંત્રી અને અધિકારી વાત કરશે નહીં અને માહિતી આપશે નહીં. આવું બે દાયકાથી શરૂ થયું, પણ પત્રકારો મુખ્યમંત્રી અથવા મંત્રી આપણા માલિક તંત્રીને ફરિયાદ કરશે તો નોકરી જશે તેવી બીકે ચુપ રહેવા લાગ્યા.

જેના કારણે સરકારને મઝા પડી, પહેલા પત્રકારને તેના કામ માટે અથવા વ્યકિતગત જીવનમાં પણ કોઈ તકલીફ પડે તો માહિતીખાતાના અધિકારીઓ દોડી આવતા હતા પણ હવે માહિતીખાતાના અધિકારીઓને પણ ખબર પડી કે સરકાર પત્રકારોને આઘા રાખવા માગે છે અને હવે જો આપણે પત્રકારો માટે સાનુકુળ થઈશું તો તેનો અલગ અર્થ કાઢવામાં આવશે તેના કારણે માહિતીખાતા દ્વારા પણ પત્રકારો સાથે સલામત અંતર રાખી, સરકારની સૂચના મળે એટલો જ વ્યવહાર રાખવાની શરૂઆત કરાઈ, પત્રકારો લાચાર અને માયકાંગલા થઈ ગયા છે. હવે આપણે જે કરીશું તેઓ તે સહન કરશે જ તેવું સરકાર માનવા લાગી પણ તા 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં કવરેજ કરવા આવેલા પત્રકારોએ વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળનો બહિષ્કાર કર્યો અને તેઓ બહાર નિકળી ગયા, જો કે ઘણા પત્રકારો માની રહ્યા હતા કે સરકાર આપણી સાથે જ આવો જ વ્યવહાર કરશે પણ એમાં માઠુ શું લગાડવાનું અને બહિષ્કાર શું કામ કરવાનો... આમ છતાં જો કે તેમણે પણ પત્રકારોને સહકાર આપ્યો અને પ્રેસ ગેલેરી બહાર નિકળી ગયા.

વીસ વર્ષ પછી પહેલી વખત પત્રકારોએ ટોકન રૂપે પોતાની નારાજગી વ્યકત કરી, પત્રકારને જે પોતાના સ્વમાન માટે માઠુ લાગવાનું બંધ થઈ જશે તો તેને પ્રજાની પીડા અને તકલીફ માટે પણ માઠુ લાગશે નહીં અને આ સ્થિતિ સમાજ માટે ધાતક સાબીત થવાની છે, બીજાના પ્રશ્ન માટે લડતો પત્રકાર જો પોતાની માટે લડશે નહીં તો તંત્ર તેમની ઉપર હાવી થઈ તેમને નમાલા બનાવી દેશે, જે સરકારમાં આત્યારે બેઠા છે તેમને તે વાતનો આનંદ થશે, પણ જે સરકારમાં આજે બેઠા છે, તેઓ આવતીકાલે વિરોધપક્ષમાં હશે, પણ જો પત્રકારને લાચારીમાં જીવવાની આદત પડી ગઈ હશે તો તે આવતીકાલે તમારી માટે પણ બોલશે અને લડશે નહીં. લોકશાહીના ચાર સ્તંભમાં એક સ્તંભ પત્રકારત્વ છે, પણ કોઈ પણ સરકાર હોય તેમને આ ચોથા સ્તંભને તોડી પાડવામાં જ રસ હોય છે.

આજે વિશ્વના પત્રકારત્વમાં બીબીસીનું નામ ગૌરવભેર લેવામાં આવે છે, બ્રીટીશ બ્રોડકાસ્ટીંગ સર્વિસને ચલાવવામાં માટે બ્રીટીનની સરકાર પૈસા આપે છે અને છતાં બીબીસીએ અનેક વખત બ્રીટનની સરકારની પણ ટીકા કરી છે અને તેમની વિરૂધ્ધ પણ સમાચાર પ્રસારિત કર્યા છે. આવુ આપણા દેશમાં શકય નથી. પ્રસારભારતીનો કાયદો આવ્યો, પણ હજી દુરદર્શન કે આકાશાવાણી કેન્દ્ર સરકારની ટીકા કરી શકે તેવી માનસીક સ્વાયત્તા સરકાર આપતી નથી અને તેમાં કામ કરતા પત્રકારો અથવા અધિકારીઓ તેવી સ્વાયત્તા લેવા પણ માગતા નથી. પત્રકારનું કામ જ લડવાનું છે, અને તેમાં પણ બીજાના અધિકારો માટે, પણ ક્રમશઃ તેણે લડવાનું છોડી દીધુ છે, જે માલિકો છે તેઓ પત્રકાર નથી અને તેમને પત્રકારત્વ સાથે સંબંધ નથી, જે કોઈ પૈસાપાત્ર વ્યકિત કાપડની દુકાન ખોલે, કોઈ રેસ્ટોરન્ટ ચલાવે અને કોઈ મોલ ખોલે તેમ તેમણે ટીવી અને અખબાર શરૂ કર્યા છે.

પત્રકારોએ બીજાની માટે અને પોતાની માટે લડવુ પડશે કારણ લાચાર પત્રકાર સમાજને નહીં પોતાના પરિવારને પણ મદદ કરવાને લાયક હોતો નથી અને સરકારે પણ બંધનોમાંથી પત્રકારત્વને મુકત રાખવું પડશે કારણ સમયના ચક્રને ફરતા સમય લાગતો નથી, આજે તેઓ સત્તામાં બેઠા છે તેમને ખબર છે કે કોંગ્રેસના વિશાળ શાસનને નષ્ટ કરવામાં નાના મોટા પત્રકારોએ શું યોગદાન આપ્યું હતું.