મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગુજરાતના સીએમ વિજય રૂપાણી 26 જુનથી છ દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે. વિજય રૂપાણીનો સીએમ બન્યા બાદનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. જેના પગલે નાયબ સીએમ નીતિન પટેલને તારીખ 26 જુનથી 6 દિવસ રાજ્યના મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવનાર છે. ત્યારે આ મુદ્દે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યું છે. જેમાં ‘નાયક’ ફિલ્મમાં એક દિવસનો મુખ્યમંત્રી ઘણું બધું કરી જાય છે અને નીતિન પટેલ પાસે તો 6 દિવસ હોવાનું જણાવી પુરા પાંચ વર્ષના મુખ્યમંત્રી બની જવાની સલાહ આપી છે.

પોતાના ટ્વિટમાં હાર્દિકે લખ્યું છે કે, ‘નાયક’ ફિલ્મમાં એક દિવસનો મુખ્યમંત્રી ઘણું બધું કરી જાણે છે અને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી પણ બની જાય છે. નીતિનભાઈ પટેલને તો પુરા ૬ દિવસ મળ્યા છે.

અનામત, શહીદ પાટીદારોને ન્યાય, નિર્દોષ યુવાનો પરથી રાજદ્રોહ સહિતનાં કેસો પાછા ખેંચીને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી બની જાઓ."

હાર્દિક પટેલનું આ ટ્વિટ ગણતરીની મિનિટોમાં ભારે વાયરલ થયું છે. આ ટ્વિટને લઈને હાર્દિક સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થયો છે. લોકો દ્વારા આ ટ્વિટ અંગે તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.