મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: પોલીસની ભરતીના પેપર લીક કેસમાં પોલીસ તેને મુખ્ય સુત્રધાર માની રહી છે. તેવા યશપાલ સોંલકીને ગુજરાત એટીએસ દ્વારા મહિસાગર જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પરંતુ યશપાલને પોલીસની નજરથી દુર રાખવા માટે વડોદરા ભાજપના એક નેતાએ પોતાની ફેક્ટરીમાં યશપાલને છુપાવવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એટીએસ દ્વારા વડોદરાની કપુરાઈ ચોકડી પાસેથી અન્ય બે વ્યક્તિઓને પણ ઉપાડી લીધા છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી હોવાની જણકારી પણ મળી છે. 

પેપર લીક કેસમાં ભાજપ સરકારની આબરૂના લીરા તો ઉડી ગયા હતા. પરંતુ જ્યારે આ કેસના આરોપી તરીકે ભાજપના નેતાઓ નામ ખુલતા ભાજપ સરકાર વધુ કફોડી સ્થિતિમાં આવી ગઈ હતી. જેના કારણે પોલીસ ઉપર દબાણ વધુ હતું કે રાજકિય નેતાઓની ધરપકડ કરવામાં કાળજી રાખવી. આ દરમિયાન યશપાલને શોધી રહેલી ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે યશપાલને વડોદરા ભાજપના એક નેતાએ આશ્રય આપ્યો છે અને યશપાલને પોલીસથી દુર રાખવા માટે એક ફેક્ટરીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતીને આધારે એટીએસ દ્વારા યશપાલનને ઝડપી લેવામાં આવ્યો હતો.

યશપાલની પૂછપરછમાં આ પ્રકરણના તાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પણ જોડાયેલા હોવાની જાણકારી મળતા એટીએસની ટીમે અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી છે. જેમાં એક વ્યક્તિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે. ખુદ યશપાલ પણ કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે. અગાઉ યશપાલને કોર્પોરેશન દ્વારા અનિયમિતતાને કારણે હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના આ જ નેતાએ તેને નોકરી ઉપર પરત લેવા દબાણ કરી નોકરી અપાવવી હતી. આ ઉપરાંત ભાજપના આ નેતા સાથે શિક્ષક અને પ્રોફેસરની ભરતી કૌભાંડનો પણ અગાઉ આરોપ લાગી ચુક્યો છે.