પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (રવિ પુજારી ભાગ-6): છોટા રાજનથી અલગ થઈ રવિ પુજારીએ હવે પોતાનું અલગ સામ્રાજય ઉભુ કરવાની શરૂઆત કરી હતી, દેશમાં અને દેશ બહાર તેના દુશ્મનોની સંખ્યા પણ કઈ ઓછી ન્હોતી, મોટા ભાગની દુશ્મની તો રાજન સાથે રહેવાને કારણે તેમજ રાજન વતી લડવાને કારણે થઈ હતી, પણ જે થઈ ગયું તેમાં બહુ મોડું થઈ ગયું હતું, પણ તેને અંડરવર્લ્ડનો ધંધો ચલાવવાના નિયમો અને ધંધો ચલાવવાની આવડત આવી ગઈ હતી, પણ હવે બજારમાં તેણે પોતાનું નામ મોટું કરવાનું હતું. હમણાં સુધી તેને પોલીસ અને અંડરવર્લ્ડના લોકો રાજનના ટપોરી તરીકે ઓળખતા હતા પણ હવે તેને પોતાની ઓળખ અને ધાક બજારમાં ઉભી કરવાની હતી.

અંડરવર્લ્ડના ધંધામાં ધાક બહુ જરૂરી હોય છે જો તમારો ખૌફ ના હોય તો બજારમાં તમારી ગેંગ ઊભી થતી નથી અને કોઈ તમને પૈસા પણ આપે નહીં, જેમ રાજન અને દાઉદ ઈબ્રાહીમે ઓળખમાં વર્ષો કાઢી નાખ્યા તેમ રવિના કિસ્સામાં પણ થયુ હતું, રવિ તો ખુબ નારાજ હતો તે જયારે પણ તક મળે ત્યારે રાજન વિરૂધ્ધ ઝેર ઔકતો હતો.

રાજના અનેક રહસ્યો રવિ પુજારી સામે આવી રહ્યા હતા, ભારતીય એજન્સી અને મુંબઈ પોલીસ પણ રાજનો સિફતપુર્વક ઉપયોગ કરી રહી હતી અથવા રાજન પોતાનો ઉપયોગ કરાવી રહ્યો હતો. રવિને જાણકારી મળી કે છોટા રાજન ભારતીય એજન્સીના અનેક સિનિયર અધિકારીઓના સંપર્કમાં હોય છે તે ભારતીય જાસુસી સંસ્થા રો અને ભારતીય ગુપ્તચર સેવાના અનેક અધિકારીઓ સાથે સીધો સંપર્કમાં હોય છે. મુંબઈ બ્લાસ્ટના મુદ્દે રાજન જ્યારે દાઉદથી અલગ થયો ત્યારે પોલીસ અને ભારતીય એજન્સીએ તેનો લાભ લેવાનો નિર્ણય કર્યો આમ તો પોલીસ માટે રાજન અને દાઉદ બંન્ને ગુંડા હતા, પણ પોલીસ અને ભારતીય એજન્સી માટે વધુ મહત્વનો દાઉદ હતો. પોલીસે દાઉદ સુધી પહોંચવા માટે રાજનને હાથમાં લીધો હતો. પોલીસ રાજનના ધંધા જાણતી હતી, પણ પોલીસ અને એજન્સીઓ અનેક વખત મોટા ગુંડા સુધી પહોંચવા માટે નાના ગુંડાનો ઉપયોગ કરી અને તેના બે નંબરના ધંધા તરફ આંખ આડા કાન કરતી હોય છે આવુ જ રાજન અને દાઉદના કિસ્સામાં થઈ રહ્યું હતું.

રાજન ગુંડો હતો જ્યારે હવે દાઉદ ત્રાસવાદીની શ્રેણીમાં  આવી ગયો હતો, પોલીસ માની રહી હતી કે રાજનને તો કયારેય નાથી શકાશે પણ દાઉદના સંબંધો જે પ્રકારની પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ અને ત્રાસવાદી સંગઠનો સાથે છે તેના કારણે દાઉદ સુધી પહોંચવુ જરૂરી હતુ અને રાજન પણ દાઉદનો દુશ્મન થઈ ગયો હોવાને કારણે પોલીસ હવે રાજનનો ઉપયોગ કરી રહી હતી. દેશની અંદર અને વિદેશમાં પણ ભારતીય એજન્સીઓ રાજનને છાની મદદ કરી રહી હતી, જ્યારે રવિ પુજારીને રાજનની આ ભૂમિકા અંગે ખબર પડી ત્યારે તે વધારે સાવચેત થઈ ગયો હતો કારણ તેને દાઉદથી તો ખતરો હતો પણ રાજન ભારતીય એજન્સીના સંપર્કમાં હોવાને કારણે કયારેય પણ ભારતીય એજન્સીની મદદ લઈ તેને પકડાવી પણ શકે અથવા કહેવાતી અથડામણમાં મરાવી શકે તેમ પણ હતો. જેના કારણે રવિ પુજારી પણ હવે પોતાના ઠેકાણા ગુપ્ત રાખતો હતો અને એક દેશથી બીજા દેશમાં ફરતો રહેતો હતો.

રવિ પુજારી રાજન સાથે હતો ત્યારે સારા એવા પૈસા કમાયો હતો, છતાં તે રાજન અને દાઉદનની સરખામણીમાં ખુબ નાનો અને ઓછો પૈસા પાત્ર હતો. તેને પણ પૈસા અને નામ કમાવવા હતા. તેણે પોતાની ગેંગમાં હવે ભરતી કરવાની શરૂઆત કરી હતી. તેની ગેંગમાં બે પ્રકારના યુવાનો ભરતી થઈ રહ્યા હતા, અંડરવર્લ્ડમાં પણ ગુપ્તચર જેવા કામ હોય છે, જેમની પાસે જાહેરમાં બંદુક ચલાવવાની હિંમત નથી તેવા યુવાનો ગેંગ માટે માહિતી એકત્રીત કરવાનું કામ કરે છે. રવિ પુજારીએ દેશના શ્રીમંતોની યાદી બનાવવાની શરૂઆત હતી. જેઓને ધમકી આપી તેમની પાસે ખંડણી ઉઘરાવી શકાય અને ધમકી આપ્યા પછી પૈસા ના મળે ત્યારે તેમને ડરાવવા માટે તેમની ઉપર ગોળીબાર કરે અથવા ઠાર મારે તેવા યુવાનોની પણ જરૂર હતી. ખાસ કરી આ પ્રકારના કામ માટે જે રાજયમાં ગરીબી હોય તેવા રાજ્યમાંથી યુવાનો મળી જતા હોય છે. રવિની ગેંગમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર્સ જોડાઈ રહ્યા હતા. યુવાનોના હાથમાં બંદુક પકડવાનો પણ એક ક્રેઝ હોય છે તેવા યુવાનો પણ ગેંગસ્ટર થવા માટે રવિ સાથે જોડાઈ રહ્યા હતા.

બરાબર દસ વર્ષ પહેલા રવિ પુજારીએ પોતાનું અલગ અસ્તીત્વ ઊભુ કરી ખંડણી ઉઘારવવાની શરૂઆત કરી હતી, ગુજરાત સહિત, મહારાષ્ટ્ર અને  દિલ્હી જેવા રાજ્યોના શ્રીમંતોની માહિતી એકત્રીત કરી, તેમની પાસે ખંડણી  માંગવાની શરૂઆત હતી. જો કે શરૂઆતના વર્ષોમાં રવિ પુજારીનું નામ શ્રીમંતો માટે સાવ અજાણ્યુ હતું અને રવિ પુજારી જે ભાષામાં ખંડણી માંગી રહ્યો હતો તેના કારણે શ્રીમંતો માનવા જ તૈયાર ન્હોતા કે તેમની પાસે કોઈ ગેંગસ્ટર પૈસાની માગણી કરી રહ્યો છે. જેના કારણે તેણે કેટલાંક ભાડૂતી મારાઓ દ્વારા શ્રીમંતોની કાર અને ઘર ઉપર ગોળીબાર કરાવ્યા હતા. જેના કારણે પહેલી વખત પોલીસનું ધ્યાન હવે રવિ પુજારી તરફ ગયુ હતું. પોલીસને અંદાજ આવી ગયો હતો કે પોલીસ સામે એક નવો પડકાર ઊભો થઈ રહ્યો છે. રાજનનો એક નાનકડો પંટર હવે મોટો થવા જઈ રહ્યો છે તેવો પોલીસને પુરો અંદાજ આવી ગયો હતો કારણ મુંબઈના ફિલ્મ સ્ટાર્સ અને પ્રોડયુસર્સને પણ હવે ખંડણી માટે ફોન આવવા લાગ્યા હતા.

(ક્રમશ:)