મેરાન્યૂઝ નેટવર્ક, લખનૌ: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમારના મોત સહીત બે લોકોની હત્યામાં તપાસની દિશા બદલવાથી નારાજ થયેલા એક..બે નહિ પરંતુ ૮૩ નિવૃત ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના રાજીનામાની માંગણી કરી છે. આ પૂર્વ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખીને યોગીના રાજીનામાની માંગ કરતાં પીઆઈની હત્યામાં તપાસ કરવાના બદલે તેને ગૌ હત્યાનાં આરોપી તરફ લઇ જવાનો આરોપ મુકતા ચકચાર મચી જવા પામી છે.

ઉત્તર પ્રદેશમાં ચાર-પાંચ વર્ષ પહેલા જ નિવૃત થયેલાં આ અધિકારીઓનું કહેવું છે કે, પોલીસ હિંસા ફેલાવનાર આરોપીઓને પકડવાના બદલે ગૌવંશ હત્યાના આરોપીને પકડવામાં લાગી ગઈ છે. જ્યારે બુલંદશહેરમાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધકુમાર અને અન્ય એક વ્યક્તિના થયેલા મોત અને હિંસા આચરનાર આરોપીઓનાં નામ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ અધિકારીઓનું કહેવું છે કે, સરકાર અને ખુદ મુખ્યમંત્રી આ બનાવને સાંપ્રદાયિક એજન્ડા અંતર્ગત ફેલાયેલી હિંસા માનતા હતા અને આ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. આમછતાં સમગ્ર લક્ષ્ય ગૌહત્યા અને તેના આરોપીઓ તરફ ફેરવાઈ ગયું છે. તેનાં કારણે સમગ્ર મામલાની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી નથી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હિંસા પછી થયેલી સમિક્ષા બેઠકમાં સાંપ્રદાયિક હિંસાનો ભાગ માન્યો હતો. જો કે પછીથી યોગીએ આ હિંસાને સહજ ઘટના ગણાવી હતી. જયારે સમિક્ષા બેઠકમાં યોગીએ આ હિંસામાં ગૌહત્યાની બાબત જોડતા તેમની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૮ આરોપીઓને પકડી જેલ ભેગા કરવામાં આવ્યા છે. જો કે મુખ્ય આરોપી હજુ સુધી ફરાર છે.