મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકારે આખરે 1993 બેચના ચાર અને 2000 બેચના ત્રણ અધિકારીઓ મળી કુલ સાત આઈપીએસ અધિકારીઓની એડી.ડીજી અને આઈજી પદ પર બઢતી કરી છે. આ ઉપરાંત 2005 બેચના 6 આઈપીએસ અધિકારીઓને સીલેક્શન ગ્રેડ આપવામાં આવ્યા છે.

ગુજરાત કેડરના 1993, 2000 અને 2004 બેચના આઈપીએસ અધિકારીઓને જાન્યુઆરી મહિનામાં બઢતી આપવાની હતી, પરંતુ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલને પગલે ગુજરાત સરકાર કોઈ નિર્ણય લઈ શકી ન હતી. જેના કારણે અધિકારીઓને છ મહિના મોડી બઢતી મળી હતી. જેમાં પણ આ અધિકારીઓને બઢતી આપીને તે જ જગ્યા પર ચાલુ રાખવામાં આવ્યા છે.

1993 બેચના સુરત રેન્જ આઈજી જ્ઞાનેન્દ્ર મલ્લિક, લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો (એસીબી)ના અધિક નિયામક હસમુખ પટેલને સ્પેશ્યલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી) જયેશ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચમાં અને જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફીક નિરજા ગોત્રુ રાવને પણ તે જ જગ્યા પર સ્પેશ્યલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

ઉપરાંત 2000 બેચના પોલીસ કરાઈ અકાદમીના અધિક નિયામક નિપૂના તોરવણેને અધિક નિયામક તરીકે જુનાગઢ તાલીમ શાળાના આચાર્ય એમએ એમએચ અનારવાલાને પણ અધિક નિયામક તરીકે બઢતી અપાઈ છે. જ્યારે સુરત શહેરના અધિક નિયામક સેક્ટર 2 ડી બી વાઘેલાને સંયુક્ત નિયામક તરીકે બઢતી આપીને તે જગ્યા પર જ નિમણૂંક અપાઈ છે.

2004 બેચના એસપી રેન્કના અધિકારીઓને ડીઆઈજીમાં બઢતી આપવાની હતી, પરંતુ 21 એડી.એસપી તેમજ બીજા એસપી અધિકારીઓની બદલીઓ કરવાની હોવાથી 2004 બેચને 15 ઓગસ્ટ પછી બદલી અને બઢતી આપવામાં આવશે. સરકારે 2005 બેચના ખેડા એસપી મનિન્દરસિંગ પવાર, એટીએસના એસપી હિમાન્શું શુક્લા, સીબીઆઈમાં ડેપ્યુટેશનમાં ગયેલા રાઘવેન્દ્ર વત્સ, દાહોદ એસપી પ્રેમવીર સિંગ, કચ્છ પશ્ચીમના એસ પી એમ એસ ભરાડા અને સુરત લાજપોર જેલના સુપ્રિટેન્ડેન્ટ એચ આર ચૌધરીને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે.