મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે તોડજોડની નીતિ ચાલી રહી છે. કોંગ્રેસ તરફથી ભાજપ પર તેમના ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસની બેઠકમાં 12 ધારાસભ્યો પહોંચ્યા નથી જ્યારે જેડીએસની બેઠકમાં પણ બે ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

આજે બુધવારે બેંગાલુરુની એક હોટલમાં જેડીએસની બેઠક યોજાઇ હતી. જેમાં બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયક અને વેંકટ રાવ નાડગૌડા પહોંચ્યા ન હતા. જ્યાર બાદ વેંકટ રાવએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં સામેલ થવાના છે. જેડીએસની આ બેઠક બાદ એચડી કુમારસ્વામીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા.

બહુમતિના આંકડાથી થોડે દૂર રહેલ ભાજપને એક અપક્ષ ધારાસભ્યએ સમર્થન જાહેર કર્યું છે. જેથી હવે ભાજપ પાસે 105 ધારાસભ્યો થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાત લિંગાયત ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. જેથી હવે ભાજપને બહુમત હાંસલ કરવામાં વધુ એક બેઠકની જરૂર રહેશે. કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને ખરીદવા માટે 100 કરોડ રૂપિયા સુધીની ઑફર આપવામાં આવી રહી છે.