મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સમગ્ર ભારત દેશમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૨૭ રાજ્યોમાં મેલું સાફ કરવાની કામગીરીના ૧૪૦ બનાવોમાં કુલ ૨૦૫ લોકોના અકાળે મોત થયા છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં ૬૨ સફાઈ કામદારોના મોત થયા છે. સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગ ધ્વારા આજે જાહેર કરાયેલા એક રીપોર્ટ પ્રમાણે પીડિત ૫૧ પરિવારોમાંથી એકપણનું પુર્નવસન કે વૈકલ્પિક નોકરી આપવામાં નહીં આવતા તેમણે મજબુરીમાં મેલું સાફ કરવાના કામે જવું પડ્યું અને મોત થયા છે.

સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગ ( એનસીએસકે ) ધ્વારા હાથથી મેલું સાફ કરવાની કામગીરી દરમિયાન મોત થયા હોય તેવા ૧૦૦ પરિવારોને રૂપિયા ૧૦ લાખનું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એન.સી.એસ.કે.ના ચેરમેન મનહર વાલજીભાઈ ઝાલા એ આજે ગુરૂવારે મેલું સાફ કરનાર કર્મચારીઓને મોત પર એક રીપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, અમે ૧૦૦ પીડિત પરિવારોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની વ્યવસ્થા કરી છે. આ આયોગ આ બાબતે હસ્તક્ષેપ કરી આ કામગીરીમાં મોત થાય તો વળતર સુનિશ્ચિત કરવા પ્રયાસ કરશે. આ રીપોર્ટ રાષ્ટ્રીય ગરિમા આભિયન ધ્વારા માર્ચથી જુલાઈ વચ્ચે કરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, પીડિત ૫૧ પરિવારોમાંથી એકપણનું પુર્નવસન કરવામાં આવ્યું નથી કે નથી વૈકલ્પિક નોકરી આપવામાં આવી. જેના કારણે તેમણે મજબુરીમાં મેલું સાફ કરવાના કામે જવું પડ્યું અને તેમાં ૯૭ લોકોના મોત થયા છે.

૧૧ રાજ્યોના ૫૧ પીડિતો પરિવારોની મુલાકાતમાં એ જાણકારી પણ મળી છે કે, માત્ર ૧૬ પરિવારોને જ વળતર મળ્યું છે. આ રીપોર્ટ પ્રમાણે મોટાભાગના મૃત્યુ સેપ્ટિક ટેંક અને સીવરની સફાઈ દરમિયાન થયા છે. જેમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમાં એકપણ પોલીસ ફરિયાદ નહિ થવા સાથે કોઈ કેસ પણ ચલાવવામાં આવ્યો નથી.

૧૯૯૨થી ૨૦૧૮ વચ્ચે ૨૭ રાજ્યોમાં બનેલા આવા ૧૪૦ બનાવોમાં કુલ ૨૦૫ લોકોના અકાળે મોત થયા છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં ૬૨ સફાઈ કામદારોના મોત થયા છે. આ પછી સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૨૯, ઉત્તરપ્રદેશમાં ૨૯, મધ્યપ્રદેશમાં ૨૪ અને તમિલનાડુમાં ૨૪ સફાઈ કામદારોના મૃત્યુ થયા છે. ચેરમેને વધુમાં કહ્યું કે, મારા પદગ્રહણ પછી એકલા દિલ્હીમાં જ ૨૦ સફાઈ કામદારોના મોતની ખબર મળી છે. તે બધી જ ઘટનાઓમાં વળતર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.